- સુરતના વેપારીને મળી મારવાની ધમકી
- BMW કાર, શેર અને ઓફિસ પોતાના નામે કરવા અપાઈ ધમકી
- ધમકી આપનારો એક આરોપી દુષ્કર્મ કેસમાં દોષી
સુરતઃ શહેરમાં જમીન પચાવી પાડનારી ગેંગો સામાન્ય લોકો માટે માથાનો દુઃખાવા સમાન બની છે, ત્યારે શહેરમાં વધુ એક આવો બનાવ સામે આવ્યો છે. જેમાં રાંદેરમાં વેપારી પાસેથી ઓફિસ, 1.35 કરોડના શેર અને BMW કાર પચાવવા વેપારીને જાનથી મારવાની ધમકી આપવામાં આવી છે. જેથી આ વેપારીએ અસલમ નવીવાલા, અસ્ફાક નવીવાલા ઉર્ફે અસ્ફાક, ઇલ્યાસ કાપડીયા, જુનેદ સૈયદ, સુરતના વર્ષ 2009ના ચકચારી ગેંગરેપ કેસમાં ઝડપાયેલા અને આજીવન કારાવાસની સજા ભોગવનાર પોલીસ પુત્ર તારીક સૈયદ, અલ્તાફ પટેલ અને વિપુલભાઇ ગાજીપરા વિરુદ્ધ સુરત ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે.
ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી
સૈફુલ્લા મોતીવાલા ઉર્ફે સૈફ અલ્તાફ મોતીવાલાએ ફરિયાદમાં જણાવ્યું કે, તે મેટ એશીયા પ્રા.લી. કંપનીના 65 ટકા શેર હોલ્ડર છે. તેમને આ તમામ આરોપીઓએ ધાક ધમકીઓ આપી હતી અને કંપનીના શેર, ગાડી અને ઓફિસ તેમજ કંપનીનો હિસાબ તેમના નામે કરવા અંગે જણાવ્યું હતું. વધુમાં ફરિયાદીએ જણાવ્યું કે, આવું નહીં કરવા પર આરોપીએ વેપારીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.
2 આરોપીની ધરપકડ
આ ઘટનામાં પોલીસે ગુનો નોંધી તપાસ કરી હતી. જેમાં જુનેદ સૈયદ અને ઇલીયાસ કાપડિયા નામના 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય ફરાર આરોપીઓની ધરપકડ કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે.
દુષ્કર્મના ગુનામાં સંડોવાયેલા આરોપીએ આપી ધમકી
સુરતના વર્ષ 2009ના ચકચારી સામુહિક દુષ્કર્મ કેસમાં ઝડપાયેલા અને આજીવન કારાવાસની સજા ભોગવનાર પોલીસ પુત્ર તારીક સૈયદ અને તેના ભાઈ જુનેદે પણ ભંગારના વેપારી સૈફુલ્લાને ધમકી આપી રૂપિયા 30 લાખની માંગણી કરી હતી. 24 સપ્ટેમ્બરના રોજ તેનો ભાઈ જુનેદ રૂપિયા 5000 સૈફુલ્લા પાસેથી લઇ ગયો હતો અને બીજા રૂપિયા1 લાખ માંગ્યા હતા. આ સમયે આરોપીએ ફરિયાદીને ધમકી આપી હતી
અલ્તાફ અને વિપુલ ગાજીપરા સામે વરાછામાં પણ નોંધાઈ હતી ફરિયાદ
સુરતના કુખ્યાત અલ્તાફ પટેલ અને વિપુલ ગાજીપરા વિરુદ્ધ ગણતરીના દિવસોમાં બીજો ગુનો નોંધાયો છે. અડાજણના રેતી કપચીના વેપારી સાહિદ શબ્બીર ગોડીલેને ફરિયાદ પાછી ખેંચવા માથાભારે અલ્તાફ પટેલ, વિપુલ ગાજીપરા અને સાગરીતોએ થોડા દિવસો અગાઉ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 નજીક બંધક બનાવી માર મારી રૂપિયા 10થી 15 લાખની ખંડણી માગી હોવાની ફરિયાદ વરાછા પોલીસ મથકમાં 21 જાન્યુઆરીએ નોંધાઈ હતી.