- વર્ષ 2016માં નોંધાયેલા કેસમાં આરોપીને ઝડપી પાડ્યો
- અગાઉ પશ્ચિમ બંગાળમાં નકલી નોટ કેસમાં જેલ જઈ ચૂક્યો છે
- પોલીસ તપાસમાં અન્ય લોકોના નામ ખૂલે તેવી શક્યતા
સુરત: બનાવટી ચલણી નોટના નેટવર્ક સાથે સંડોવાયેલા અને વરાછા પોલીસ મથકમાં વર્ષ 2016માં બનાવટી ચલણી નોટોના ગુનાના આરોપીને પશ્ચિમ બંગાળમાંથી SOGએ ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની ધરપકડ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
નકલી નોટ કૌભાંડમાં વચેટિયા તરીકેની ભૂમિકા હતી
સુરત SOGને બાતમી મળી હતી કે, બનાવટી ચલણી નોટના નેટવર્ક સાથે સંડોવાયેલા અને વરાછા પોલીસ મથકમાં વર્ષ 2016માં બનાવટી ચલણી નોટોના ગુનાના આરોપી પશ્ચિમ બંગાળના કોલોનીપરા ગામમાં રહે છે.અને ત્યાં મિનરલ વોટર પ્લાન્ટમાં નોકરી કરે છે. આ માહિતીના આધારે સુરત SOG પોલીસે તપાસ કરીને ત્યાંની સથાનિક પોલીસને સાથે રાખીને આરોપી શંકર સુશીલ મંડલને ઝડપી પાડ્યો હતો. આરોપીની પૂછપરછ કરતા આરોપીએ 86 હજારની બનાવટી ચલણી નોટો અન્ય એક આરોપી પાસેથી મેળવીને સુરત ખાતે રહેતા અને અગાઉ પકડાયેલા આરોપીને આપી હતી.
અગાઉ પણ નકલી નોટો ફેરવવા બદલ નોંધાયા છે ગુના
પકડાયેલા આરોપીએ વધુમાં જણાવ્યું હતું કે, નોટબંધી અગાઉ પોતાના વતનમાં રહેતા મુરસલીમ જયમંત મંડલ સાથે બનાવટી ચલણી નોટોને બજારમાં ફરતી મુકવાની પ્રવુતિમાં પૈસા કમાવવાના આશયથી જોડાયેલો હતો. આરોપી અગાઉ પશ્ચિમ બંગાળ રાજ્યના દૌલતાબાદ પોલીસ મથકમાં બનાવટી ચલણી નોટને બજારમાં ફરતી કરતી વખતે પકડાઈ જતા તેના વિરુદ્ધ ગુનો પણ દાખલ થયો હતો. વધુમાં આરોપીને 1 હજારની ચલણી નોટ બજારમાં ફરતી કરવા બદલ 400 રૂપિયા નફા પેટે મળતા હતા. જો કે હાલ આ મામલે આરોપીનો કબજો વરાછા પોલીસને સોંપવામાં આવ્યો છે અને પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.