- સુરતમાં લોકોને વેક્સીન ન મળતા હોબાળો કરાયો
- લાગવગથી બીજા દરવાજેથી વેક્સિન આપતા હોવાનો આરોપ
- પોલીસના લાઠીચાર્જમાં સિનિયર સિટીઝન પણ આવ્યા આંટીમાં
સુરત: શહેરમાં હાલ ઓક્સિજન, રેમડેસીવીર ઇન્જેક્શન બાદ હવે વેક્સીનને લઈને હોબાળો મચ્યો છે. વેક્સીન ખૂટી પડતા મનપાનું તંત્ર પણ લાચાર છે. આજે ગુરૂવારે વેસુ ખાતે આવેલી પ્રાથમિક શાળામાં કોર્પોરેશન દ્વારા રસીકરણ માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. આથી, સવારથી જ 200 જેટલા લોકો મોટી સંખ્યામાં લાઈનમાં ઉભા હતા. જોકે, મનપા દ્વારા માત્ર 80 લોકોને વેક્સિન આપતા અન્ય લોકોએ હોબાળો મચાવ્યો હતો. મનપા દ્વારા માત્ર 80 લોકોની વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ, તે અંગે લોકોને સવારથી જાણ કરાઈ નહોતી. જેથી, તેમણે રોષ વ્યક્ત કર્યો હતો. આ દરમિયાન, કેટલાક લોકો લાગવગ લગાવી બીજા દરવાજેથી 10 માણસોને વેક્સિન આપતા હોવાનું ધ્યાને ગયું હતું.
આ પણ વાંચો: સુરતના ભીમપોર વિસ્તારમાં રસીકરણના ટોકન લેવા માટે લોકોની પડાપડી
લોકો દ્વારા કર્મચારીઓ સાથે રકઝક
મહાનગરપાલિકાના એક એજન્ટ દ્વારા લાગવગથી આવેલા લોકોને વેક્સિન મુકવામાં આવી રહી હોવાની શંકાથી સ્થાનિક લોકોએ રસીકરણ સેન્ટરના પાલિકાના કર્મચારીઓ સાથે રકઝક કરી હતી. લોકોનું ટોળુ વધારે રોષે ભારાતા કર્મચારીઓ દ્વારા ઉમરા પોલીસને ફોન કરીને જાણ કરવામાં આવી હતી. જેથી, ઉમરા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. સ્થાનિક લોકો અને મનપાના કર્મચારીઓ સાથે ઘર્ષણ થાય તે પહેલા ઉમરા પોલીસ ઇન્સપેક્ટર ઝાલા સહિતના સ્ટાફે લોકો ઉપર લાઠિચાર્જ કર્યો હતો. ઉમરા પોલીસે આ ઘટના બાબતે ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.
PI ઝાલાએ સિનિયર સિટીઝનની પણ દરકાર ન કરી
દબંગ અંદાજમાં PI ઝાલાએ લોકોને સમજાવવાની જગ્યાએ લાઠિચાર્જ કર્યો હતો. જેમાં, સિનિયર સિટીઝનની સહાય કરવાના બદલે તેમની સાથે અભદ્ર વર્તન કર્યું હતું. સિનિયર સિટિઝન ઉપર પણ લાઠિચાર્જ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: કોરોનાનું ટેસ્ટિંગ ઓછું થતું હોવાથી કોરોનાના કેસ ઓછા દેખાઈ રહ્યા છેઃ અર્જૂન મોઢવાડિયા
લાઠિચાર્જમાં એક વ્યક્તિને ઇજા થઈ
ઉમરા પોલીસ ઇન્સપેક્ટર ઝાલાએ કોરોનાના સમયમાં ગભરાયેલા લોકોને વેક્સીન બાબતે સમજાવવાના બદલે સીધો લાઠિચાર્જ કરતા માહોલ વધારે બગડ્યો હતો. લાઠીચાર્જમાં એક વ્યક્તિને ઇજા પણ થઇ હોવાનું જાણવા મળ્યું છે.