- દુરૈયા તપિયાએ 26 જાન્યુઆરીથી ટ્રક રાઈડની શરૂઆત કરી હતી
- સ્વચ્છ ભારત અભિયાન, સશકત નારી, સશકત ભારતના સંદેશાને જનજન સુધી પહોંચાડવા કરી હતી રાઈડ
- 13 રાજ્યોના 4500 ગામડાઓ અને 10 હજારથી વધુ કિ.મીની સફર ખેડી
સુરતઃ વોરા સમાજની દુરૈયા તપિયાએ 26 જાન્યુઆરીથી દેશવ્યાપી ટ્રક રાઈડની શરૂઆત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાન, સશકત નારી, સશકત ભારત અને આત્મનિર્ભર ભારત મિશનની સાથે જ કોવિડ-19 થી સુરક્ષિત રહેવાના સંદેશાને જનજન સુધી પહોંચાડવા આ દેશવ્યાપી રાઈડનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગામડાઓમાં જઈને નિઃશુલ્ક માસ્ક, સેનેટાઈજર, પેડ અને ડસ્ટબીનનું વિતરણ કર્યું
26મી જાન્યુઆરીના રોજ સાંસદ દર્શનાબેન જરદોશે ફ્લેગ ઓફ કરીને રાઈડની શરૂઆત કરી હતી. રાઈડ દરમિયાન દુરૈયા તપિયાએ સતત 35 દિવસ સુધી ટ્રક ડ્રાઈવ કરી હતી. આ દરિમયાન તેણીએ 13 રાજ્યોના 4500 ગામડાઓ અને 10 હજારથી વધુ કિ.મીની સફર ખેડી હતી. દૂરૈયા તપીયાએ જણાવ્યું હતું કે, આ રાઈડનો ઉદ્દેશ્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાન, સશકત નારી, સશકત ભારત અને આત્મનિર્ભર અભિયાનને જન જન સુધી પહોંચાડવાનો હતો. સાથે જ ગામડાઓની પ્રજાને કોવિડ-19 મહામારી પ્રત્યે જાગૃત કરવાનો હતો. આ માટે દરેક ગામડાઓમાં જઈને લોકોને નિઃશુલ્ક માસ્ક, સેનેટાઇજર, પેડ અને ડસ્ટબીનનું વિતરણ કરવાની સાથે જ કોરોનાથી કેવી રીતે બચી શકાય તે અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ પણ કરાયો હતો. 13 રાજ્યોની સફર દરમિયાન દુરૈયા જે તે રાજ્યોના ડેલીગેટ્સને મળી હતી. ઠેક ઠેકાણે દુરૈયાનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. રાઈડના અંતિમ ચરણમાં કેવડીયા ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી બાયપાસ થઈ અને ત્યારબાદ આજ રોજ ગુરુવારે તે સુરત ખાતે આવી પહોંચી હતી. સુરતમાં રાહુલ રાજ મોલ ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ સુરતની મહિલા આત્મનિર્ભર ભારતનો સંદેશ લોકો સુધી પહોંચાડવા 26મીથી ટ્રક રાઈડ શરૂ કરશે
ભારત ભ્રમણ સાથે જ સિંગાપોર સુધી બાઈક રાઇડ કરી ચૂકી છે
35 દિવસ સુધી દુરૈયાએ પોતે ટ્રક ચલાવી 13 રાજ્યોની સફર ખેડવા માટે પ્રોફેશનલ ડ્રાઈવની જેમ ટ્રેનિંગ લઈ હેવી લાઈસન્સ મેળવ્યું હતું. દુરૈયા તપીયાએ જણાવ્યું હતું કે, સામન્ય રીતે ટ્રક ચલાવવું એ પુરુષોનું કામ છે, ત્યારે મારા માટે આ મુશ્કેલ જરૂર હતું, પણ અશક્ય નહીં. એટલે જ ત્રણ મહિના સુધી ટ્રક ચલાવવાનું શીખ્યા બાદ RTO માં હેવી લાઈસન્સ મેળવ્યું હતું અને અને રાઈડ પૂર્ણ કરી છે. ઉલ્લેખનિય છે કે, દુરૈયા તપિયાએ સાહસિક મહિલા છે. બાઇકર્સ તરીકે તે પોતાની ઓળખ પ્રસ્થપિત કરી ચૂકી છે. તે ભારત ભ્રમણ સાથે જ સિંગાપોર સુધી બાઈક રાઇડ કરી ચૂકી છે.