સુરતની મહિલા આત્મનિર્ભર ભારતનો સંદેશ લોકો સુધી પહોંચાડવા 26મીથી ટ્રક રાઈડ શરૂ કરશે - સેનિટરી પેડ
સ્વચ્છ ભારત, સશક્ત નારી, સશક્ત ભારત અને આત્મનિર્ભર ભારત મિશનને લોકો સુધી પહોંચાડવાનું બીડું ઝડપ્યું છે સુરતની એક મહિલાએ. સુરતની 42 વર્ષીય દુરૈયા તપિયા 26મી જાન્યુઆરીથી દેશવ્યાપી ટ્રક રાઈડ પર જઈ રહી છે. આ રાઈડ દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંદેશને લોકો સુધી પહોંચાડશે. આ સાથે જ ગામડાઓમાં જઈને લોકોને નિઃશુલ્ક માસ્ક, સેનિટાઈઝર, સેનિટરી પેડ અને ડસ્ટબીનનું પણ વિતરણ કરશે.
- સુરતની મહિલા 26 જાન્યુઆરીથી શરૂ કરશે દેશવ્યાપી ટ્રક રાઈડ
- રાઈડ દરમિયાન વડાપ્રધાન મોદીના સંદેશને લોકો સુધી પહોંચાડશે
- ગામડાઓમાં જઈને માસ્ક, સેનિટાઈઝર, સેનિટરી પેડનું કરશે વિતરણ
સુરતઃ મહિલા બાઈકર્સ તરીકે વિખ્યાત સુરતની 42 વર્ષીય દુરૈયા તપિયા વધુ એક સાહસ ખેડવા જઈ રહી છે. આગામી 26મી જાન્યુઆરીથી દેશવ્યાપી ટ્રક રાઈડ પર નીકળી રહી છે. આ દરમિયાન તે 13 રાજ્યોના 4,500 ગામડાઓ અને 10 હજારથી વધુ કિલોમીટરની સફર ખેડશે.
લોકોને નિઃશુલ્ક માસ્ક, સેનિટાઈઝર, સેનિટરી પેડ અને ડસ્ટબીનનું વિતરણ કરાશે
ટ્રક રાઈડર દુરૈયા તપિયાએ જણાવ્યું હતું કે, આ રાઈડનો ઉદ્દેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાન, સશક્ત નારી, સશક્ત ભારત અને આત્મનિર્ભર અભિયાનને જન-જન સુધી પહોંચાડવાનો છે. આ માટે દરેક ગામડાઓમાં જઇને લોકોને નિઃશુલ્ક માસ્ક, સેનિટાઈઝર, સેનિટરી પેડ અને ડસ્ટબીનનું વિતરણ કરવાની સાથે જ કોરોનાથી કેવી રીતે બચી શકાય તે અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ પણ કરશે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, 13 રાજયોની સફર દરમિયાન દુરિયા જેતે રાજ્યોના ડેલિગેટ અને મંત્રીઓ અને નેતાઓને પણ મળશે. આ ખાસ ટ્રક ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અભિયાનનું ચિત્ર જોવા મળશે. દરરોજ એ 300 કિલોમીટરની યાત્રા ટ્રક દ્વારા કરાશે. આ માટે સાપુતારા ખાતે પ્રેક્ટિસ પણ કરી છે.