- 1000 રૂપિયા દંડ ભરવાથી હવે મેળવી શકશો છુટકારો
- ATM કાર્ડ જેવું જ માસ્ક વેન્ડિંગ મશીન બનાવવામાં આવ્યુ
- મશીનમાં 100થી 5000 માસ્ક અંદર રાખી શકાય છે
સુરત: કોરોના કાળમાં અનેક વાર માસ્ક ભૂલી જવાની ઘટના સામે આવતી હોય છે. એના કારણે 1000 રૂપિયા દંડ પણ ભર્યો હશે. ત્યારે, સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયાના મંત્રથી પ્રભાવિત થઈ ખાસ માસ્ક વેન્ડિંગ મશીન બનાવાયું છે. આ મશીન સુરતની મહિલા સામાજિક કાર્યકર્તા અને તેમના યુવા મિત્ર દ્વારા બનાવાયું છે. જે રીતે ATMમાં કાર્ડથી રૂપિયા મેળવી શકીએ છીએ તે જ રીતે આ મશીનમાં એક અથવા 5ના સિક્કા નાખ્યાંં બાદ ડિસ્પોઝેબલ માસ્ક મળી રહેશે. આ મશીન જાહેર સ્થળો પર મૂકવામાં આવશે.
આ પણ વાંચો: સુરતમાં માસ્ક ન પહેરનારાઓ પાસે દંડ નહિં વસૂલાઈ, ફક્ત માસ્ક અંગે જાગૃત કરાશે
કોરોનામાં માસ્ક અચૂક હથિયાર બની ગયું
કોરોના કાળમાં માસ્ક અચૂક હથિયાર બની ગયું છે. કોરોના કાળમાં લોકો માસ્ક ભૂલી જાય તો તેમની માટે એક ખાસ સુવિધા જાહેર સ્થળો પર રાખવામાં આવશે. આ હેતુથી સુરતના સામાજિક કાર્યકર્તા રૂપા શાહ અને તેમના મિત્ર દ્વારા આ ખાસ મશીન તૈયાર કરાયું છે. અગાઉ આ પ્રકારના મશીનમાં સેનેટરી પેડની સુવિધા મહિલાઓ માટે મૂકવામાં આવી હતી. પરંતુ, કોરોના કાળમાં આવું જ મશીન લોકોને માસ્ક મળી રહે આ વિચારથી તૈયાર કરવામાં આવ્યું છે.
મશીનમાં 100થી 5000 માસ્ક રાખી શકાય
આ અંગે રૂપા શાહે જણાવ્યું હતું કે, ઘણી વખત લોકો ઉતાવળમાં માસ્ક ભૂલી જતા હોય છે અને તેઓને દંડ ભરવો પડતો હોય છે. આવા લોકો માટે વેન્ડિંગ મશીન ખૂબ જ લાભકારી સિદ્ધ થાય એમ છે. આ મશીનમાં 100થી 5000 માસ્ક અંદર રાખી શકાય છે. 1 કે 5 રૂપિયા નાખીને માસ્ક મેળવી શકાય છે. શરૂઆતમાં, NGOની મદદથી આ મશીન સુરતના ભરચક વિસ્તાર ગણાતા રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને પાલિકા મુખ્યાલય ખાતે મુકવામાં આવશે.
આ પણ વાંચો: સામાન્ય જનતા માસ્ક ન પહેરે તો 1000નો દંડ અને નેતાઓ ન પહેરે તો 500 !
જે રીતે ATM કામ કરે છે તે જ રીતે આ મશીન કરશે
આ મશીન બનાવનાર ઋષભ શાહે જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયાથી પ્રવાહિત થઈ આ મશીન બનાવ્યું છે. 1થી 5 રૂપિયા સુધીમાં લોકોને ડિસ્પોઝેબલ માસ્ક મળી જશે. સોશિયલ ડિસ્ટનસિંગની સાથે આ માસ્ક લોકો મેળવી શકશે. જે રીતે ATM કામ કરે છે તે જ રીતે આ મશીન કામ કરશે.