- ઇન્ટરનેશનલ જેમ એન્ડ જ્વેલરી શો આ વર્ષે દુબઈમાં યોજવાનું નક્કી કરાયું
- GJEPC એ તારીખ 14 થી 16 ઓગસ્ટ દરમિયાન યોજવાની જાહેરાત કરી
- મધ્ય પૂર્વ દેશોના ખરીદદારોને આકર્ષિત કરવા પ્રયાસ કરાશે
સુરત: જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ દ્વારા દર વર્ષે ઓગસ્ટ મહિનામાં મુંબઈ ખાતે યોજાતો ભારતીય ઝવેરાત ઉદ્યોગ માટે અતિ પ્રતિષ્ઠિત ઇન્ટરનેશનલ જેમ એન્ડ જ્વેલરી શો આ વર્ષે કોરોના સંક્રમણને લીધે દુબઈમાં યોજવાનું નક્કી કરાયું છે. GJEPC એ તારીખ 14થી 16 ઓગસ્ટ દરમિયાન યોજવાની જાહેરાત કરી છે. આ ટ્રેડ ફેરમાં 1,500 જેટલા બુથમાં GJEPCની સબે કંપનીઓને ભાગ લેવા માટે અગ્રતા આપવામાં આવશે. તેમજ મધ્યપૂર્વ દેશોના ખરીદદારોને આકર્ષિત કરવા પ્રયાસ કરાશે.
એપ્રિલ 2021માં ઇન્ડિયા ઇન્ટરનેશનલ જ્વેલરી શો મુંબઇમાં યોજવાનો હતો
ભારતના વિવિધ શહેરોમાં યોજાતા મોટાભાગના જ્વેલરી શો કોરોનાના કારણે રદ્દ કરવા પડ્યા છે. ફેબ્રુઆરી 2020 પછી કોઈ મોટા શોના આયોજન થઈ શક્યા નથી. એપ્રિલ 2021માં ઇન્ડિયા ઇન્ટરનેશનલ જ્વેલરી શોનું મુંબઇમાં પ્રદર્શન યોજવાનું હતુ, પરંતુ કોરોનાની બીજી લહેરને કારણે તેને રદ કરવાની ફરજ પડી હતી. જેથી GJEPC દ્વારા આ શો દુબઈમાં યોજવાનું નક્કી કર્યું છે. GJEPCના વેસ્ટર્ન ઝોનના ચેરમેન દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે, આ ટ્રેડ ફેરમાં આંતરરાષ્ટ્રીય ગ્રાહકોને ભારતીય જ્વેલરી ઉત્પાદકો સાથે જોડવાનો પ્રયાસ કરાશે. આ જ્વેલરી શો પ્લેન તેમજ સ્ટેન્ડર્ડ જ્વેલરીની વિવિધ કેટેગરી અને રંગીન રત્નો પ્રદર્શનમાં મુકવામાં આવશે.
આ પણ વાંચો: અમેરીકાની સૌથી સુંદર યુવતી માટે આ વખતે ચીને નહિ સુરતે બનાવ્યો હીરાનો ક્રાઉન
ટૂંક સમયમાં સુરતમાં જ્વેલરી શોનું આયોજન કરાશે
અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાના લીધે ભારત અને મધ્યપૂર્વના દેશો વચ્ચે હવાઇ મુસાફરી હાલમાં સ્થગિત કરી દેવામાં આવી છે, પરંતુ ભારતમાં કોરોના પર નિયંત્રણ આવી જતા જૂનના અંત સુધી બંને દેશો વચ્ચે હવાઇ સેવા પૂર્વવત થઈ જવાનો GJEPCએ આશાવાદ વ્યક્ત કર્યો છે. દિનેશ નાવડિયાએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણના પગલે વિદેશમાં તો યોજવાનું નક્કી કરાયું છે ભવિષ્યમાં મુંબઈ સિવાય ભારતના સુરત જયપુર જેવા અન્ય શહેરોમાં પણ આ અંતરરાષ્ટ્રીય શોનું આયોજન કરવા વિચારણા ચાલી રહી છે કારણ કે આ એક્ઝિબિશનમાં માત્ર મોટા વેપારીઓ જોડાશે નાના વેપારીઓ જોડાઈ શકશે નહીં દેશના નાના વેપારીઓ માટે ટૂંક સમયમાં સુરતમાં જ્વેલરી શો નું આયોજન કરાશે.
આ પણ વાંચો: હોંગકોંગ જ્વેલરી એક્ઝિબિશન રદ્દ, દેશના ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા 500 ઉદ્યોગપતિઓને અસર