- એલોપેથિક દવાના મોટા જથ્થા સાથે ડોકટરની ધરપકડ
- આરોગ્યની ટીમે મોટાપ્રમાણમાં એલોપેથીક દવાનો જથ્થો ઝડપ્યો
- માંગરોળ પોલીસે આરોગ્યની સાથે ચેડાં કરતા ડોકટર વિરુદ્ધ કાર્યવાહી કરી
સુરત: માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે એલોપેથિક સારવાર આપવાની કોઇ ડિગ્રી નહીં ધરાવતા ડોક્ટરે એલોપેથિક સારવાર આપી દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરતા આરોગ્ય વિભાગની ટીમ અને પોલીસે સંયુક્ત દરોડો પાડી ડોક્ટરને એલોપેથિક દવાના જથ્થા સાથે ઝડપી પાડયો હતો.
ડોક્ટર પ્રકાશ સુદામ પાટીલ દર્દીના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યો હોવાની ફરિયાદ
ઝંખવાવ ગામના બજારમાં હોમિયોપેથીક DHMSની ડીગ્રી ધરાવતા ડોક્ટર પ્રકાશ સુદામ પાટીલ પોતાનું દવાખાનુ ચલાવે છે. તેઓ પાસે એલોપેથિક સારવારની કોઈ ડીગ્રી નહીં હોવા છતાં બિનઅધિકૃત રીતે એલોપેથિક સારવાર કરીને દર્દીના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યો હોવાની ફરિયાદ સ્થાનિક નાગરિક દ્વારા તાલુકા જિલ્લાથી લઇને રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ સુધી કરવામાં આવી હતી. જેથી ઉચ્ચ અધિકારીઓના આદેશને પગલે મેડિકલ ઓફિસર જૈમિનીબેન જગતસિંહ વસાવાના નેજા હેઠળ આરોગ્ય વિભાગની ટીમે પોલીસની સાથે ઉપરોક્ત ડોક્ટરના દવાખાને સંયુક્ત રેડ કરી હતી. આ સમયે કંમ્પાઉન્ડર ધર્મેશભાઈ જોગીભાઈ ચૌધરી હાજર હતા. તેની પણ પૂછપરછ કરવામાં આવતા તેણે પોતે દર્દીઓને લાઈનમાં બેસાડી દેખરેખ રાખતા હોવાનું જણાવ્યું હતુ.
આ પણ વાંચો: ફલ્લા ગામમાં PHC સેન્ટરમાં છેલ્લા 2 મહિનાથી કાયમી ડોકટર નથી
દવાખાનામાંથી દવાની બોટલો ટેબલેટ ઇન્જેક્શનો મોટા પ્રમાણમાં મળી આવ્યા
દવાખાનામાં ડૉક્ટર પ્રકાશભાઈ સુદામભાઈ પાટીલ મળી આવતા તેમની ડિગ્રી બાબતે ટીમ દ્વારા પૂછપરછ કરવામાં આવતા તેમણે હોમિયોપેથીક DHMSની ડીગ્રીનું સર્ટીફીકેટ બતાવ્યું હતુ. આરોગ્ય વિભાગની ટીમે ડોક્ટરને સાથે રાખી તેમના દવાખાનામાં તપાસ કરતા એલોપેથિક દવાની બોટલો ટેબલેટ ઇન્જેક્શનો મોટા પ્રમાણમાં મળી આવ્યા હતા. જેથી એલોપેથિક દવાથી ગેરકાયદેસર રીતે તેઓ દર્દીઓની સારવાર કરી રહ્યા હોવાનું ફલિત થયું હતુ.
આ પણ વાંચો: જામનગરના વિજયપુર ગામેથી 10 પાસ બોગસ ડોકટરને ઝડપી પાડતી જામનગર SOG પોલીસ
દવાનો મોટો જથ્થો આરોગ્ય વિભાગની ટીમ દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો
દવાનો મોટો જથ્થો આરોગ્ય વિભાગની ટીમ દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો. ડૉક્ટર પ્રકાશ પાટીલ ગુજરાત મેડીકલ પ્રેક્ટિસ એક્ટ 1963ની જોગવાઈનો ભંગ કરી દર્દીના આરોગ્ય સાથે ચેડા કરતા પકડાઈ ગયા હોવાથી તેમના વિરુદ્ધ ગુજરાત મેડીકલ પ્રેક્ટિસ એક્ટની કલમ 35 હેઠળ મેડિકલ ઓફિસર જૈમિનીબેન ભગતસિંહ વસાવાએ માંગરોળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ડોક્ટર પ્રકાશ પાટીલની ધરપકડ કરી હતી.