- સુરતમાં મનીષ સિસોદિયાનો રોડ શો યોજાયો
- મનીષ સિસોદિયા કાર્યકર્તાઓ સાથે ગરબે રમ્યાં
- આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા સહિત મોટી સંખ્યામાંં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા
સુરતઃ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ રસાકસી હવે વધી ગઈ છે કારણ કે, ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ભાજપને ટક્કર આપવા માટે હવે મેદાનમાં આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા ઉતર્યા છે. સુરતના પાટીદાર મતવિસ્તારમાં મનીષ સિસોદિયાનો ભવ્ય રોડ શો યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં આપના કાર્યકર્તાઓ જોડાયા હતા. આ વખતે પ્રથમ વાર આમ આદમી પાર્ટી ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉતરી છે, ત્યારે ભાજપને સીધી ટક્કર આપવા માટે આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ ગુજરાતમાં ધામાં નાખ્યા છે. રોડ શો કરી શક્તિ પ્રદર્શન કરી રહેલા મનીષ સિસોદિયા પોતાના કાર્યકર્તાઓ સાથે ગરબા પણ રમ્યા હતા. તેમની સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા પણ સામેલ હતા. તેમની રેલીમાં જય સરદાર, જય પાટીદારના નારાઓ પણ સાંભળવા મળ્યા હતા.
જય સરદાર, જય પાટીદારના નારા કોંગ્રેસ માટે જોખમી સાબિત થઇ શકે?
ઉલ્લેખનીય છે કે, વાયદા મુજબ કોંગ્રેસે પાસ નેતાઓને ટિકિટ ફાળવણી ન કરતા પાસના તમામ નેતાઓ કોંગ્રેસ વિરુદ્ધ થઈ ગયા છે, ત્યારે આમ આદમી પાર્ટીની આ રેલીમાં મોટી સંખ્યામાં જય સરદાર, જય પાટીદારના નારા કોંગ્રેસ માટે જોખમી સાબિત થઈ શકે છે, કારણ કે પાર્ટીના નેતાઓએ કોંગ્રેસ સામે મોરચો ખોલી દીધો છે અને ભાજપને પણ જીતવા દેવા માંગતા નથી. આમ આદમી પાર્ટીના નેતાઓ પણ પાસના કાર્યકર્તાઓથી સંપર્કમાં છે હવે જોવાનું એ રહેશે કે પાસની આગળની રણનિતી શું રહેશે.
અગાઉ સંજયસિંહની રેલીમાં પણ મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી
મનીષ સિસોદિયાની રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓનો હુંકાર ભાજપ માટે પણ એક ચિંતાનો વિષય છે. આ વખતે પ્રથમ વાર આમ આદમી પાર્ટી સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવા જઈ રહી છે. અગાઉ સંજયસિંહની રેલીમાં પણ આટલી મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી અને ત્યારબાદ આમ આદમી પાર્ટીના બીજા વરિષ્ઠ નેતાની રોડ શોમાં ધમાકેદાર એન્ટ્રી થઈ છે.