- ક્રાઈમ બ્રાન્ચ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી
- ખંડણી માંગનાર એડવોકેટ, સ્ટેમ્પ વેન્ડર સહિત પાંચ સામે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ
- આરોપીઓએ ૫ ફેબ્રુઆરી, 2011ના રોજ બોગસ અને બનાવટી સાટાખત-વેચાણ કરાર ઊભા કર્યા
સુરતઃ શહેરના એલ. એચ. રોડ પરના ત્રીકમનગર સોસાયટીમાં રહેતા મૂળ ભાવનગરના મનજી લક્ષ્મણ બેલડીયા ખેતી તેમજ બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા છે. મનજી બેલડીયાએ રમેશ જીવરાજ ભાદાણી, સ્ટેમ્પ વેન્ડર પી. એસ. અને નવીન બંસી પટેલ સામે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં મનજી બેલડીયાએ જણાવ્યું હતું કે તેમની માલિકીની વેસુ ગામ જુનો રેવન્યુ સર્વે નંબર 548, નવો સરવે નંબર-333વાળી તથા વેસુ ગામની જુનો ગામ સર્વે નંબર 548 અને નવો રેવન્યુ સર્વે નંબર 353/2 વાળી જમીન આવેલી છે. આ જમીન વર્ષ 2004માં મનજી બેલડીને વેચાણથી આપી દીધી હતી અને આરોપીઓએ ગત તારીખ 5 ફેબ્રુઆરી, 2011ના રોજ બોગસ અને બનાવટી સાટાખત વેચાણ કરાર ઊભા કર્યા હતા.
સાટાખતના આધારે તમારી જમીનમાં કોર્ટ પ્રકરણો ચાલુ કર્યા
આરોપીઓએ જમીન પચાવી પાડવા માટે ખોટા કોર્ટ પ્રકરણોમાં સંડોવી દેવાનું જણાવી આરોપી રમેશ ભાદાણીએ ગત તારીખ 12 મી ડિસેમ્બર 2020ના રોજ સાંજે મનજીની વરાછા ત્રીકમનગર ખાતે આવેલી ઓફિસમાં આવ્યાં હતા અને સાટાખતના આધારે તમારી જમીનમાં કોર્ટ પ્રકરણો ચાલુ કર્યા છે જો આ પ્રકરણમાંથી છુટકારો મેળવી ટાઇટલ ચોખા કરવા હોય તો તેમને અને તેમની સાથેના વ્યક્તિઓને રૂપિયા પાંચ કરોડ આપવા પડશે નહીં તો વધુ કેસો કરી પ્રોજેક્ટ ઘોંચમાં નાખી દેવાની ધમકી આપી હતી. બિલ્ડરને ધમકી આપનાર આરોપીએ જણાવ્યું હતું કે તેની પાછળ પહોંચેલા માણસો છે તમે તેનું કંઈ બગાડી લેવાના નથી, રૂપિયા આપી પ્રકરણ નહીં પતાવો તો તમારે ખૂબ જ મોટું નુકસાન ભોગવવું પડશે તેવી ધમકી આપી હતી. જેથી બિલ્ડર રમેશ ભાદાણીએ આ બાબતે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.