સુરત: સમગ્ર ગુજરાતમાં સ્ટેમસેલના દાનમાં અગ્રેસર એવા સુરતમાં લોકડાઉનની પરિસ્થિતિમાં પણ વરાછાના 24 વર્ષીય યુવાને મહારાષ્ટ્રના 12 વર્ષના કેન્સરગ્રસ્ત બાળકને સ્ટેમસેલનું દાન કરી નવજીવન આપ્યું છે.
કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે સેવાભાવી સંસ્થાઓને લોકો અનેક પ્રકારનું દાન કરી રહ્યાં છે, ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં રહેતા 24 વર્ષીય હર્ષ ગાંધીએ લોકડાઉનની કપરી પરિસ્થિતિમાં પણ સ્ટેમસેલનું દાન કરીને કેન્સરગ્રસ્ત બાળકનો જીવ બચાવ્યો છે. ઘરના બિઝનેસ સાથે સંકળાયેલા હર્ષ ગાંધીએ વર્ષ 2016માં દાત્રી સંસ્થા સાથે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જો કે, એક મહિના પહેલા મહારાષ્ટ્રમાં સારવાર લઈ રહેલા 12 વર્ષીય કેન્સરગ્રસ્ત બાળકની તબિયત લથડતા હર્ષને દાન માટે કહેવામાં આવ્યું હતું.
સ્ટેમસેલનું દાન અમદાવાદ ખાતે થવાનું હોવાથી શરૂઆતમાં અમદાવાદની પરિસ્થિતિ જોઈને પરિવારના સભ્યોએ પહેલા મંજૂરી આપી ન હતી, પરંતુ હર્ષ ગાંધીના સમજાવ્યા બાદ તેઓ તૈયાર થયા હતા. સંસ્થા દ્વારા દરેક પ્રકારની અનુમતિ લેવામાં આવી હતી તથા સલામતીના ખાસ પગલાં લેવામાં આવ્યા હતા. રાજ્યના તમામ માર્ગની પણ મંજૂરી લેવામાં આવી હતી. જેથી અમદાવાદ ખાતે સ્ટેમસેલનું દાન શક્ય બન્યું.
મહત્વની વાત એ છે કે, દર્દી મહારાષ્ટ્રમાં છે અને સ્ટેમસેલ અમદાવાદ. જેથી સ્ટેમસેલ દરેક પ્રકારના પ્રોટોકોલ ફોલો કરીને નોન સ્ટોપ 24 કલાકના સફર બાદ મહારાષ્ટ્ર પહોંચાડવામાં આવશે. હર્ષ ગાંધીએ જણાવ્યું હતું કે, પરિવારમાંથી સ્ટેમસેલનું દાન કરનાર હું એકમાત્ર છું. મારા આ સ્ટેમસેલના દાનને કારણે માત્ર 12 વર્ષના કેન્સરગ્રસ્ત દર્દીનો જીવ બચાવી શક્વાનો મને આનંદ છે. સંસ્થા સાથે જોડાવાના સમયે મને જરા પણ અંદાજો ન હતો કે આવા કપરા સમયે સ્ટમસેલ કરવાનો મોકો મળશે.