- મધ્યપ્રદેશમાં નથી એકપણ ઓક્સિજન પ્લાન્ટ
- સુરત દ્વારા 2 વાર મોકલાયો ઓક્સિજન
- 200 મેટ્રિક ટન જેટલો ઓક્સિજન મોકલી સુરતના અધિકારીઓએ દેખાડી ઉદારતા
સુરત : મધ્યપ્રદેશમાં એકપણ ઓક્સિજન પ્લાન્ટ ન હોવાથી સુરત જિલ્લા કલેક્ટર અને અધિકારીઓની ટીમ 24 કલાક રાઉન્ડ ધ કલોક ફરજ નિભાવીને સુરતની સાથે સાથે મધ્યપ્રદેશને પણ ઓક્સિજન મળી રહે તે પ્રકારનું સુચારુ આયોજન કરી રહ્યા છે. જેમાં બુધવારે મધ્યપ્રદેશમાં 65 ટન જ્યારે ગુરુવારે 52 ટન ઓક્સિજન મોકલી સુરતના અધિકારીઓએ કોરોનાનાં કપરાકાળમાં ઉદારતા દાખવી હતી. આ ઉપરાંત તેઓ શહેરની હોસ્પિટલોમાં પણ ઓક્સિજન ટેન્ક ખાલી થાય તે પહેલા રિફલીંગની વ્યવસ્થા કરાવી શ્રેષ્ઠ આયોજનનું ઉદાહરણ પુરુ પાડી રહ્યા છે. છેલ્લા ચાર દિવસ દરમિયાન આ રીતે મધ્યપ્રદેશમાં 200 મેટ્રિક ટનથી પણ વધુ ઓક્સિજન મોકવામાં આવ્યો છે.
સતત 4 દિવસથી ચાલી રહી છે કામગીરી
છેલ્લા ચાર દિવસથી શહેરના માટે પ્રાણવાયુની અછત જાણે પ્રાણઘાતક પુરવાર થાય તેવું બિહામણું ચિત્ર સામે આવ્યું હતુ. પરંતુ નાયબ કલેક્ટર આર.આર.બોરડ, તેમજ ફુડ એન્ડ ડ્રગ ઇન્સ્પેકટર આર.એમ.પટેલ સહિતના સાત અધિકારીઓ દ્વારા છેલ્લા ચાર દિવસથી સુરતને જ નહીં પણ મધ્યપ્રદેશ સુધી ઓક્સિજન પહોંચાડી દર્દીઓને નવા પ્રાણ આપવાનું કાર્ય રાઉન્ડ ધ કલોક કરી રહ્યા છે.
તમામ હોસ્પિટલોને પણ ઓક્સિજન પહોંચાડી રહ્યા છે.
બીજી તરફ સુરત શહેરની પણ કોઇ હોસ્પિટલમાં દર્દી ઓક્સિજનની અછતનાં કારણે મૃત્યુ નહીં પામે તેની તમામ તકેદારીઓ રાખવામાં આવી રહી છે. જેમાં જે હોસ્પિટલોમાં સિલીન્ડર થકી કામ કરવામાં આવે છે, તે સમયસર રિફલીંગ કરવામાં આવી રહ્યા છે. જયારે મિશન હોસ્પિટલમાં પ્રતિ 6 કલાકે ટેન્કનું રિફલીંગ કરવું જરૂરી હોવાથી અધિકારીઓ રાઉન્ડ કલોક તમામ હોસ્પિટલોને ઓક્સિજન પહોંચાડી શહેરનાં દર્દીઓ માટે પણ લાઇફલાઇન બન્યા છે.