- ડ્રગ્સ અને માદક પદાર્થોની અવેરનેસ માટે યોજાશે સ્પર્ધાઓ
- પોલીસ કર્મચારીઓ પણ લેશે ભાગ
- મિસ્ટર યૂનિવર્સ પ્રેમચંદ ડોગરા આપશે હાજરી
સુરત: પ્રથમ વાર શહેર પોલીસના સહયોગથી મિસ્ટર ગુજરાત, મિસ્ટર પોલીસ અને પાવર લિફ્ટિંગની પ્રતિયોગિતાનું આયોજન થવા જઈ રહ્યું છે. આયોજન પાછળનું મુખ્ય કારણ યુવાપેઢીને સ્વાસ્થ્ય માટે જાગૃત કરવાનું છે. કોઈપણ નશા ન કરવા અને સ્વસ્થ રહેવા માટેની આ પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું છે. હાલનમાં જે રીતે ડ્રગ્સને લગતાં કેસો સામે આવ્યા છે તેને લઈને યુવાપેઢીને જાગૃત કરવા માટે સુરત પોલીસ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી રહી છે. આ પ્રતિયોગિતા ત્રણ દિવસ સુધી ચાલશે જેમાં ગુજરાતભરના પાવર લિફ્ટિંગ અને બોડી બિલ્ડીંગમાં રસ ધરાવતા યુવાનો ભાગ લેશે. સાથે જ પોલીસમાં પણ સારા સ્વાસ્થ્ય ધરાવતા અને બોડી બિલ્ડિંગના શોખીન એવા કર્મચારીઓ પણ મિસ્ટર પોલીસ બની શકશે.
આ પણ વાંચો: સુરતના DCP સરોજકુમારીને 'મહિલા કોરોના યોદ્ધા: વાસ્તવિક હીરો' એવોર્ડ એનાયત
ફીનાલેમાં પ્રેમચંદ ડોગરા રહશે હાજર
આખા ગુજરાતના બોડી બિલ્ડર અને વેઈટલિફ્ટર આ પ્રતિયોગિતામાં ભાગ લેશે. આ અંગે સુરતના પોલીસ કમિશ્નર અજય તોમરે જણાવ્યું હતું કે, દેશના યુવાનો સ્વસ્થ થાય, ડ્રગ્સ અને અન્ય માદક પદાર્થોથી દૂર રહે અને સ્વસ્થ રહેવા માટે કાળજી લે એ હેતુથી આ પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું છે. ફિનાલેમાં પ્રેમચંદ ડોગરા કે જેમણે ભારતનું પ્રતિનિધિત્વ કરી મિસ્ટર યૂનિવર્સ બન્યા હતાં તે પણ હાજરી આપશે.