- અઠવાલાઇન્સ વિસ્તારની મહિલા માટે પોલીસ બની દેવદૂત સમાન
- આપઘાત કરી રહી હોવાનો ફોન મળતા જ પોલીસે કરી કાર્યવાહી
સુરત: સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં રહેતી મહિલાને આપઘાત કરતી બચાવી સુરત પોલીસની PCR વાન 33ના જવાનોએ માનવતા મહેંકાવી હતી. આ મહિલા આપઘાતનો પ્રયાસ કરે તે પહેલાં જ તેની પુત્રીએ સમયસર પોલીસને જાણ કરી દીધી હતી જેથી પોલીસે તાત્કાલિક પગલા લઇ માત્ર 6 મિનિટમાં મહિલાના ઘરે પહોંચ્યા હતા. દરવાજો અંદરથી બંધ હોવાથી મહિલાનો જીવ બચાવવા પોલીસ કર્મી દિલીપસિંહ ધનસિંહ દરવાજાને લાત મારી દરવાજો તોડી અંદર પ્રવેશ્યા હતા અને ગળેફાંસો ખાધેલી હાલતમાં મહિલાના પગ પોલીસે ખભે મૂકી તેને ટેકો આપી જીવ બચાવ્યો હતો.
લોકોએ સુરત પોલીસની કરી પ્રશંસા
મહિલાએ ગળેફાંસો ખાતા પહેલા પ્રવાહી પણ પીધું હતું જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. કયા કારણોસર આ મહિલાએ આવું પગલું ભર્યું હતું તેની તપાસ પોલીસે શરૂ કરી છે. જ્યારે પોલીસ કર્મી દિલીપસિંહ ધનસિંહ અને સહ પોલીસકર્મીઓને લોકો આ માનવીય કૃત્ય માટે પ્રશંસા કરી રહ્યા છે.