સુરત: PCB પોલીસને બાતમી મળી હતી કે, પાંડેસરાના અપેક્ષાનગર સ્થિત પુનિત નગર ખાતે આવેલા એક મકાનમાં દેશી હાથ બનાવટના તમંચા બનાવવા માટેનું કારખાનું ચાલી રહ્યું છે. મનોજ લક્ષ્મી પ્રસાદ યાદવ નામનો શખ્સ આ કારખાનું ચલાવતો હોવાની માહિતી મળતા PCBની ટીમે દરોડા પાડંયા હતાં. જ્યાં અપેક્ષા નગર ખાતે આવેલા મકાન નંબર 215માં છાપો મારતા મનોજ લક્ષ્મી પ્રસાદ યાદવ દેશી હાથ બનાવટનો તમંચો બનાવતા રંગે હાથ ઝડપાયો હતો.
PCB પોલીસે કરેલી પૂછપરછ દરમિયાન આરોપી મનોજ યાદવે જણાવ્યું હતું કે, રાજમની વિશ્વકર્મા નામના શખ્સ પાસેથી તે તમંચો બનાવવાની સાધન સામગ્રી ખરીદી કરતો હતો. જ્યાં બાદમાં તમંચો બનાવી અલગ અલગ લોકોને વેચાણ કરતો હતો. જેને લઈ PCBએ રાજમણી વિશ્વકર્માને વોન્ટેડ જાહેર કર્યો હતો. જ્યારે સ્થળ પરથી દેશી હાથ બનાવટનો એક તૈયાર તમંચો, એક જીવતો કાર્તિઝ તેમજ તમંચો બનાવવા માટેની સાધન સામગ્રી મળી કુલ 15 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
સુરતમાં યુપીની જેમ દેશી હાથ બનાવટનો તમંચો બનતો હોવાની હકીકત બહાર આવતા પોલીસ પણ હાલ ચોંકી ઉઠી છે. PCBની કામગીરી બાદ સ્થાનિક પોલીસ હાલ ઊંઘતી ઝડપાઇ છે, ત્યારે હમણાં સુધી આરોપીએ કેટલા તમંચા બનાવ્યા છે અને કેટલા લોકોને વેચ્યા છે. આ અંગેની તપાસ હાલ PCB પોલીસે કરી રહી છે.