- સુરત ક્રાઈમ બ્રાન્ચે શહેરમાં લૂંટના ગુનાના ભેદ ઉકેલ્યો
- દિવાળીની ઉજવણી કરવા માટે આચરી હતી લૂંટ
- 2 ઈસમો અને 2 કિશોરોની કરી ધરપકડ
- ચપ્પુની અણીએ કરતા હતા લૂંટ
સુરતઃ શહેરના અમરોલી તેમજ કામરેજ વિસ્તારમાં લોકોને ચપ્પુની અણીએ ડરાવી ધમકાવી લુટ કરતા બે ઈસમો અને બે કિશોરોની ક્રાઈમ બ્રાંચની ટીમે ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ 51 હજારનો મુદ્દા માલ કબજે કર્યો હતો. આ સાથે અમરોલીના 2 અને કામરેજ પોલીસ મથકના 3 ગુનાના ભેદ ઉકેલ્યા હતા.
ઈસમો પાસેથી 51 હજારનો મુદ્દા માલ કબ્જે કર્યો
સુરત ક્રાઈમની ટીમે બાતમીના આધારે પુણા સીમાડા કેનાલ રોડ પાસેથી વિજય ઉર્ફે વોન્ટેડ કાલીયા વિનુ વાઘેલા અને રવીન્દ્ર ઉર્ફે રવી પ્રવીણ ચૌહાણ નામના 2 ઈસમો સાથે બે કિશોરોને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપી પાસેથી ચોરી કરેલા ત્રણ મોબાઈલ અને એક બાઈક મળી કુલ 51 હજારનો મુદ્દા માલ કબ્જે કર્યો હતો.
શહેરના બે અને જિલ્લાના બે કેસ ઉકેલાયા
પોલીસની પૂછપરછમાં કિશોરોએ જણાવ્યું હતું કે, દિવાળીનો તહેવાર હોવાથી તહેવારની ઉજવણી કરવા માટે પોતાના સાગરિત સાગર ઉર્ફે એસ.ડી. સોલંકી તથા જાહિર ઉર્ફે જયલો પઠાણ સાથે મળી અમરોલી તેમજ કામરેજ વિસ્તારમાં વાહન ચાલકોને ચપ્પુ બતાવી લુંટ્યા હતા. આમ પોલીસે અમરોલી વિસ્તારના ઘાડના બે ગુના અને કામરેજ ગ્રામ્યના એક ઘાડ અને બે લુંટના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.