સુરત : ઇન્ડિયા માર્ટ નામની કોમર્શિયલ વેબસાઈટ (Commercial Website) ઉપરથી સુરતના કાપડના વેપારીની સમગ્ર માહિતી મેળવી ધંધાકીય વ્યવહાર ચાલુ કરી 53.24 લાખથી વધુની ઠગાઈ કરી હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચ (Surat Crime Branch) પોલીસે શખ્સની મુંબઈથી ધરપકડ (Accused Arrested From Mumbai) કરી છે.
શખ્સે કુલ 53.24 લાખ રૂપિયાની ઠગાઈ કરી : ટેક્સટાઇલ અને ડાયમંડ સિટીમાં ઓનલાઇન સાઈટ પરથી ડેટા ચોરી થતાની અનેક ફરિયાદ સામે આવતી હોય છે. સુરતમાં ફરી એક વખત ઓનલાઈન છેતરપિંડી કેસમાં (Online Fraud Case) વેપારી શિકાર બન્યો છે. સુરતના ઉધના મગદલ્લા ખાતે રહેતા જીગ્નેશ પંડિત ટેક્સટાઇલના વેપાર સાથે સંકળાયેલા છે. તેમની ઇન્ડિયા માર્ટની કોમર્શિયલ વેબસાઈટ (Commercial Website) પરથી ભરત હીરા ઢીલા નામના વ્યક્તિએ જીગ્નેશના વેપાર અંગેની માહિતી મેળવી તેમનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો. 25 દિવસના ટૂંકા ગાળામાં 53 લાખથી વધુનું વિસ્કોસ કાપડ વિશ્વાસમાં લઇ ઉધાર ખરીદ્યું હતું જોકે અત્યાર સુધી રૂપિયા નહિ ચૂકવતા આ મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો હતો.
ભરત હીરા ઢીલાની થઈ ધરપકડ : શખ્સ ઓગસ્ટ મહિનાની 3 તારીખથી 28 તારીખ સુધી 25 દિવસ માલ ખરીદ્યો હતો. ફરિયાદના આધારે આરોપીને ઝડપી પાડવા માટે સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ કામે લાગી હતી. ક્રાઈમ બ્રાન્ચ પોલીસને બાતમી મળી હતી કે, શખ્સ મુંબઈ ખાતે છે. જેથી ક્રાઈમ બ્રાન્ચ પોલીસે તાત્કાલિક મુંબઈ પહોંચી શખ્સ ભરત હીરા ઢીલા ધરપકડ કરી હતી અને સુરત લાવવામાં આવ્યો હતો.
અન્ય વેપારીઓ સાથે પણ કરી છે છેતરપિંડી : સુરત ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર લલિત વાઘડિયાએ જણાવ્યું હતું કે, આરોપીની પૂછપરછ દરમિયાન સુરત ખાતે રહેતા અન્ય 4 વેપારીઓની પણ ઇન્ડિયા માર્ટ નામની કોમર્શિયલ વેબસાઈટ પરથી માહિતી મેળવી તેમની પાસેથી પણ કાપડ તેમજ ઈલાસ્ટિકનો માલ લઈ કુલ 9 લાખ 84 હજારથી વધુની ઠગાઈ કરી હોવાનું જાણવા મળ્યું હતું. શખ્સે ગુજરાત અને અન્ય રાજ્યના વેપારીઓની પણ ઇન્ડિયા માર્ટ નામની કોમર્શિયલ વેબસાઈટ પરથી માહિતી મેળવી કરોડોની ઠગાઈ કરી હોવાની શંકા સેવાઈ રહી છે.