સુરત : સુમુલડેરીના તાપી અને સુરતની મળી કુલ 16 બેઠકો પર ચૂંટણીનો જંગ જોવા મળશે. આ વર્ષે હાલના સુમુલ ડેરીના ચેરમેન રાજુ પાઠકને હરાવવા સહકાર પેનલ પોતાની કમર કસી રહી છે. સુમુલ ડેરીમાં રાજુ પાઠકે રુ એક હજાર કરોડનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ ખુદ ભાજપના જ પૂર્વ સાંસદ માનસિંગભાઇ પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો. જેથી રાજુભાઇને પદ પરથી હટાવવા માટે માનસિંગભાઇની આગેવાનીમાં સહકાર પેનલના સોળે સોળ ઉમેદવારો દ્વારા આજે ફોર્મ ભરવાની કામગીરી કરવામાં આવી હતી.
આજે સહકાર પેનલના ઉમેદવાર જયેશભાઇ દેલાડ સહિતના તમામ લોકોએ પોતાના ફોર્મ મામલતદાર કચેરીએ ભર્યાં હતાં અને પોતાની પેનલ જીતશે તેવો વિશ્વાસ પણ વ્યકત કર્યો હતો. તેઓએ વધુમા જણાવ્યું હતું કે રાજુ પાઠકને આ ચૂંટણીમાં કારમી હાર આપવામાં આવશે અને ખુદ આ વખતે ભાજપના પૂર્વ સાંસદ તેઓ સાથે છે જેથી આ વખતે સત્યનો વિજય થશે. ઉલ્લેખનીય છે કે ભાજપના હાઇકમાન્ડ દ્વારા હાલ સુમુલની બેઠક પર ફોર્મ ન ભરવા માટે તાકીદ કરવામાં આવી છે.