- મહુવા તાલુકામાં 3 હજાર હેકટર પાકને નુકસાન
- ડાંગરનો પાક વરસાદમાં ભીંજાય ગયો
- ખેડૂતોની હાલત કફોડી
સુરત: જિલ્લાના મહુવામાં ગત રોજ ધોધમાર વચ્ચે હવે ખેડૂતોની દશા કફોડી બની છે. ખાસ કરીને ઉનાળુ ડાંગર પકવતા ખેડૂતોનો પાક પાણીમાં ગરકાવ થતા મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તાલુકામાં અંદાજીત 3 હજાર હેકટર જમીનમાં પાકને નુકસાન થયું હતું.
ઉભા પાકને નુક્સાન
સુરત જિલ્લાના મહુવા તાલુકામાં ઉભા પાકને વ્યાપક અસર થવા પામી છે. મહુવા તાલુકામાં 4 હજાર થી વધુ હેકટરમાં વિવિધ પાકોની રોપણી કરવામાં આવી હતી, પણ વાવાઝોડુ અને પુરજોશમાં પડેલ વરસાદે મહુવા તાલુકામાં ડાંગરના પાકમાં તારાજી સર્જી છે. ખેડૂતોની મહિનાઓની મહેનત પર પાણીમાં ફરી વળી હતી. અને લળળીના સમયે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોનું તૈયાર ડાંગર પાણીમાં પલળી ગયું હતું. અને લરણી સમયે ડાંગર ભીંજાઈ જતા ખેડૂતોને મહેનત માથે પડી છે.
વરસાદથી થયેલા નુકસાનથી ખેડૂતોનો ખર્ચ પણ નહીં નીકળી શકે
એક ધારા વરસાદ અને પાણી ભરાવાની સીધી અસર ડાંગરના પાકને મોટા પ્રમાણમાં નુક્સાન પહોંચ્યું હતું. મહુવા તાલુકાના કાછલ સહિતના વિવિધ ગામોમાં ખેડૂતોના ઉભા ડાંગરના પાકને નુક્સાન થયું હતું. પાક સંપૂર્ણ પાણીમાં તરબોળ થતા ખેડૂતોની હાલત કફોડી બની હતી. શેરડીની ખેતી બાદ વિસ્તારમાં અન્ય પાક તરીકે ખેડૂતોએ ડાંગરની રોપણી કરી હતી. જોકે ડાંગરનો યોગ્ય ભાવ અને ઉતારની વાત તો દૂર પરંતુ ખર્ચ પણ માથે પડ્યો છે.
આ પણ વાંચો : બાલાસિનોરમાં તૌકતે વાવાઝોડાના કારણે બાજરીના પાકમાં ખેડૂતોને નુકસાન
તંત્ર દ્વારા સર્વે કામગીરી ચાલુ
વાવાઝોડાએ ખેતી પાકને નુક્સાન થતા ખેતી વાડી વિભાગ અને તાલુકા વહીવટી તંત્ર પણ સાબદુ બન્યું છે. સરકારી આંકડાની વાત કરી એ તો મહુવા તાલુકામાં શિયાળુ , ઉનાળુ અને બાગાયતી પાકો મળી 3 હજાર હેકટરમાં પાકને નુકસાન થયાનું પ્રાથમિક સર્વેમાં બહાર આવ્યું છે. ત્યારે સર્વે કામગીરી બાદ ખેડૂતો ને વળતર અંગે નિર્ણય લેવામાં આવનાર છે.
વહેલી તકે વળતરની માગ
ખાસ કરીને ચોમાસાની સિઝન પહેલા ઉનાળુ ડાંગર તૈયાર થઈ જતો હોય છે. જેને ઝુડવાની કામગીરી શરૂ કરવામાં આવે છે. અમુક ખેતરોમાં ખેડૂતો એ ડાંગર કાપી હજુ ખેતરમાં મૂક્યો હતો. અને જે તે મંડળીમાં મોકલે એ પહેલાં વાવાઝોડાથી આવેલા વરસાદે વિઘ્ન ઉભું કર્યું છે. જેથી હવે ડાંગરના પાકમાં નુક્સાની અંગે રાજ્ય સરકાર દ્વારા માત્ર લોભામણી જાહેરાત નહીં પરંતુ વહેલી તકે વળતર આપવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.