સુરત: શહેરના ફિલ્મ અને સંગીત ક્ષેત્રે સંકળાયેલા કલાકારો દ્વારા લોકડાઉનમાં લોકોને ઘરે જ સુરક્ષિત રહેવાની અપીલ કરવા માટે એક અનોખું ગીત બનાવવામાં આવ્યું છે. ‘ઘરમાં રહો’ નામના આ મનોરંજક વીડિયો ગીત સુરતના પદ્મશ્રી સન્માનિત યઝદી કરંઝીયા, પ્રખ્યાત ગાયક જગદીશ ઇટાલિયા, અજીતા ઇટાલિયા તથા અન્ય કલાકારોની મદદથી નિર્માણ થયું છે. લોકડાઉનમાં લોકો સરકારના આદેશોનું પાલન કરે, ઘર બહાર નીકળવાનું જોખમ ન ખેડે અને કોરોના સામેના જંગમાં લોકો સુધી હકારાત્મક સંદેશ પહોંચે એ આશયથી સુરતના લેખક અને દિગ્દર્શક ભાવિન પાટીલ અને સંદીપ રાજપૂત દ્વારા આ ગીતનું નિર્માણ કરાયું છે.
લેખક અને દિગ્દર્શક ભાવિન પાટીલે આ ગીત નિર્માણ કરવાના ઉદ્દેશ અંગે જણાવ્યું હતું કે, લોકડાઉનના સખત અમલીકરણ પછી પણ કેટલાક લોકો કારણ વગર ઘરની બહાર નીકળી કાયદાનો ભંગ કરવાની સાથે સાથે પોતાનો જીવ જોખમમાં મૂકે છે. હાલ રાજ્ય અને કેન્દ્ર સરકાર કોરોનાના ફેલાતો અટકાવવા રાત-દિવસ જોયા વિના મહેનત કરીં રહ્યા છે. આવા સંજોગોમાં સરકારને સાથ સહકાર આપવો એ આપણી નૈતિક ફરજ છે. લોકો ઘરની બહાર નીકળશે તો લોકલ ટ્રાન્સમિશનનો ભય રહે છે. જેથી હવે પૂરતી કાળજી અને ગંભીરતા રાખવાનો સમય આવ્યો છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, લોકડાઉન પૂર્ણ ન થાય ત્યાં સુધી લોકો ઘરમાં જ રહી પરિવાર સાથે સમય વિતાવે એવો સંદેશ આપવાના આશયથી અમારી ટીમ દ્વારા નામી-અનામી કલાકારોની મદદથી આ ગીત બનાવાયું છે. ગીતને ગાયક દર્શિત નાયકે સ્વર આપ્યો છે.
આ ગીતમાં યોગ્ય રીતે હાથ ધોવા, સેનિટાઈઝર, સોશ્યલ ડિસ્ટન્સ, ડૉક્ટર્સ, પોલીસ અને સરકારી તંત્રને સહકાર જેવા પાસાઓને આવરી લેવામાં આવ્યાં છે. લોકડાઉન દરમિયાન દરેક કલાકારો ઘરમાં જ હોવાથી સમયનો સદુપયોગ કરી સમાજને ઉપયોગી સંદેશ આપવાનો હેતુ છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, આ ગીતનું શુટિંગ આઉટડોરમાં કરાયું નથી.