- ઓક્સિજન બાદ ઓક્સિજન સિલેન્ડર ઉપર લગાડવામાં આવતા ઇન્ડિકેટર અછત
- દર્દીને કેટલા ટકા ઓક્સિજનની જરૂરિયાત છે તેની જાણકારી ઇન્ડિકેટર થકી મળે છે
- દર્દીઓના પરિવારજનો ઇન્ડિકેટર શોધવા માટે શહેરમાં ભટકી રહ્યા છે
સુરતઃ ઓક્સિજન પછી હવે ઓક્સિજન સિલેન્ડર ઉપર લગાવવામાં આવતા ઇન્ડિકેટરની સુરતમાં ભારે અછત સર્જાઈ છે. શહેરના હોલસેલ વેપારીઓ પાસે આ ઇન્ડિકેટર નથી. જેથી હોમ આઇસોલેશનના દર્દીઓ માટે મુશ્કેલી ઉભી થઈ છે. લોકો ઓક્સિજન સિલેન્ડરની વ્યવસ્થા જેમ તેમ કરીને કરી રહ્યા છે, પરંતુ સિલેન્ડર ઉપર લગાવવામાં આવતા ઇન્ડિકેટર બજારમાં ઉપલબ્ધ નથી. ઓક્સિજન સિલેન્ડર ઉપર ઇન્ડિકેટર લગાડવામાં આવે છે, જેથી દર્દીને કેટલા ટકા ઓક્સિજનની જરૂરિયાત છે તે ઇન્ડિકેટર થકી તમામ જાણકારી મળી શકે છે. આ સાથે ઓક્સિજન કેટલુ આપવાનું છે આ અંગે પણ ઇન્ડિકેટર જણાવે છે. જોકે, હાલ ઓક્સિજન સિલેન્ડર તો મળી રહ્યા છે પરંતુ આ ઇન્ડિકેટર બજારમાં ઉપલબ્ધ ન હોવાના કારણે દર્દીઓને ઘણી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. દર્દીઓના પરિવારજનો ઇન્ડિકેટર શોધવા માટે શહેરમાં ભટકી રહ્યા છે.
આ પણ વાંચોઃ સુરતના સચિન GIDCના ઉદ્યોગપતિઓ દ્વારા લોકોને નિઃશુલ્ક ઓક્સિજન વિતરણ સેવા
સુરતમાં 1 હજારથી વધુ ઇન્ડિકેટરની ડિમાન્ડ
સુરતમાં ઓક્સિજન સિલેન્ડર અને ઇન્ડિકેટરના હોલસેલના વેપારી અનિલ શર્માએ જણાવ્યું હતું કે, આ ઇન્ડિકેટર દિલ્હી અને મહારાષ્ટ્રથી આવે છે, પરંતુ હાલ ત્યાં લોકડાઉનની પરિસ્થિતિ તેમજ ત્યાં વધી રહેલા કોરોના કેસના કારણે સુરતમાં ઇન્ડિકેટરની અછત સર્જાઈ છે. આ સાથે અનેક લોકોએ ઇન્ડિકેટર જમા કરીને રાખી લીધા છે અને રાહ જોઈ રહ્યા છે કે અછત વખતે એની કાળા બજારી કરી શકાય. આ બંને કારણોસર હાલ સુરતમાં ઇન્ડિકેટરની ભારે અછત છે. સુરતમાં 1 હજારથી વધુ ઇન્ડિકેટરની ડિમાન્ડમાં છે, પરંતુ તેની સામે એક પણ ઇન્ડિકેટર લોકોને આપી શકાય એવી સ્થિતિ નથી.