અમદાવાદઃ કોરોના મહામારીમાં જારી કરાયેલા લોકડાઉનને લીધે સ્કૂલ માત્ર ટ્યુશન ફી વસૂલી શકશે. આ અંગે સરકાર અને સેલ્ફ સ્કૂલ ફેડરેશન સાથે બેસીને નિણર્ય ન લઈ શકતા રાજ્ય સરકાર દ્વારા દાખલ કરાયેલી અરજી પર હાઈ કોર્ટે શાળા-સંચાલકોને પોતાના લેખિત મત રજૂ કરવાનો આદેશ કર્યો છે.
રાજ્ય સરકાર દ્વારા હાઇ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે, 17 ઓગસ્ટ અને 20 ઓગસ્ટના રોજ રાજ્ય સરકારે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની આગેવાનીમાં ફેડરેશન ઓફ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ સાથે બેઠક યોજી હતી. જેમાં ટ્યુશન ફીમાં 25 ટકા સુધીનો ઘટાડો કરવાની ભલામણ કરી હતી. જો કે, શાળા સંચાલકો દ્વારા વાલીઓની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને રાહત આપવાની વાત કરવામાં આવી છે.
20 ઓગસ્ટના રોજ યોજવામાં આવેલી બેઠકમાં પણ શાળા સંચાલકોએ ટ્યુશન ફી સિવાય અન્ય ફી નહીં વસૂલવાની વાતનો સ્વીકાર કર્યો નથી. જેથી ગુજરાત હાઇકોર્ટ તેમને યોગ્ય નિર્દેશ આપે. નોંધનીય છે કે, ગુજરાત હાઈકોર્ટે ફી મુદ્દે નવો ઠરાવ રજૂ કરવા માટે શાળા સંચાલકો અને રાજ્ય સરકારને સાથે બેસીને નિર્ણય લેવાનો આદેશ કર્યો હતો. જો કે, આદેશને 15 દિવસ જેટલો સમય વિતી ગયો છતાં કોઈ નિર્ણય લેવાયો નથી અને રાજ્ય સરકારે શાળા સંચાલકો સામે હાઇકોર્ટમાં અપીલ અરજી કરી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઈકોર્ટે શાળા સંચાલકોને અગાઉ કોઈ પણ પ્રકારની ફી નહીં વસૂલવાનો હુકમ કર્યો હતો. જેની સામે ફેડરેશન ઓફ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલે હાઇકોર્ટમાં અરજી કરી હતી અને શાળાને તથા તેના સ્ટાફના ખર્ચને પહોંચી વળવા માટે આર્થિક મદદની જરૂર માગ કરતી અરજી પર કોર્ટે ટ્યુશન ફી વસૂલ કરવાનો આદેશ કર્યો હતો. આ મુદ્દે રાજ્ય સરકાર સાથે બેસીને નવો ઠરાવ રજૂ કરવાનો આદેશ કર્યો હતો. જો કે. એમ ન થતાં હવે રાજ્ય સરકાર દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે.