- VNSGUમાં કોવિડ કેર સેન્ટર બનાવવામાં આવશે
- વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી કાઢીને હોસ્ટેલને કોવિડ સેન્ટર બનાવવામાં આવશે
- પ્રવેશ માટે હજુ વિદ્યાર્થીઓનું મેરીટ લિસ્ટ આવ્યું નથી
સુરત : વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી(VNSGU)માં આવેલી સમરસ બોય્ઝ હોસ્ટેલમાં સુરત મહાનગરપાલિકા દ્વારા ફરી એકવાર કોવિડ કેર સેન્ટર બનાવવામાં આવશે. અત્યારે સુરતમાં દિવસેને દિવસે કોરોના કેસો વધી રહ્યા છે. ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતની તમામ કોવિડ હોસ્પિટલોમાં હવે જગ્યા નથી રહી. સુરત મહાનગરપાલિકા દ્વારા વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં આવેલી રાજ્ય સરકારની સમરસ બોય્ઝ હોસ્ટેલને ફરી એકવાર કોવિડ કેર સેન્ટર બનાવામાં આવશે.
હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને કાઢવાની વાત તદ્દન ખોટી
વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં આવેલી સમરસ બોય્ઝ હોસ્ટેલ હેડ ક્લાર્ક જે.આર.જાડેજા સાથે જયારે ETV ભારતે વાત કરી ત્યારે કંઈક અલગ જ જવાબ આપવામાં આવ્યો છે. હોસ્ટેલના હેડ ક્લાર્કે એમ કહ્યું કે, અત્યારે જે સમરસ બોય્ઝ હોસ્ટેલ વિશે વાતો ઉડી રહી છે કે, વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી કાઢીને સમરસ બોય્ઝ હોસ્ટેલને કોવિડ સેન્ટર બનાવવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા કહેવામાં આવ્યું હતું. પરંતુ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને કાઢવાની વાત તદ્દન ખોટી વાત છે.
આ પણ વાંચો : VNSGU પોસ્ટ ગ્રેજ્યુએટની તમામ પ્રેક્ટિકલ પરીક્ષા 1 એપ્રિલથી લેવાય તેવી શક્યતા
PH.Dના વિદ્યાર્થીઓ સિવાય કોઇ વિદ્યાર્થી હોસ્ટેલમાં નથી રહેતા
હોસ્ટેલમાં પ્રવેશ માટે હજુ સુધી વિદ્યાર્થીઓનું મેરીટ લિસ્ટ આવ્યું નથી. ત્યારે વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં પ્રવેશ આપવાની વાત જ નહિ આવે અને પ્રવેશ નહિ આપવામાં આવે તો કાઢવામાં કઈ રીતે આવશે. 17 તારીખ બાદ જે રીતે રાજ્ય શિક્ષણ પ્રધાન દ્વારા એમ કહેવામાં આવ્યું કે, 10 એપ્રિલ સુધી તમામ શાળા-કોલેજો બંધ રાખવામાં આવશે. માત્ર ઓનલાઇન ક્લાસ લેવામાં આવશે. પરંતુ સમરસ બોય્ઝ હોસ્ટેલમાં PH.Dના વિદ્યાર્થીઓ સિવાય કોઈપણ વિદ્યાર્થી હોસ્ટેલમાં રહેતા ન હતા. PH.Dના વિદ્યાર્થીઓ ખાલી દસથી બાર જણા હતા. તેઓ પણ હવે હોસ્ટેલ છોડીને જતા રહ્યા છે. જોકે, આ બાબતે યુનિવર્સિટી દ્વારા જિલ્લા કલેક્ટરને વાત કરવામાં આવી હતી. આ વાત વિશે મને કશું પણ જણાવવામાં આવ્યું નથી.
કોરોના કેસમાં ઘટાડો નહિ થાય તો હોસ્ટેલ સંપૂર્ણપણે ફૂલ થઇ જશે
આપણા યુનિવર્સિટીના સમરસ બોય્ઝ હોસ્ટેલમાં A,B,C,D ડી એમ કરીને ચાર બિલ્ડિંગો આવી છે. એ અને બી બિલ્ડિંગમાં સુરત મહાનગરપાલિકા દ્વારા આ બંન્ને બિલ્ડિંગમાં 500 બેડની વ્યવસ્થા કરવામાં આવી. C અને D બિલ્ડિંગમાં 800 બેડની વ્યવસ્થા કરવામાં આવશે. હાલ તૈયારીઓ ચાલી રહી છે. જોકે, આગળના દિવસોમાં જો કોરોના કેસમાં ઘટાડો નહિ થાય તો સમરસ બોયઝ હોસ્ટેલ સંપૂર્ણપણે ફૂલ થઇ જશે.
આ પણ વાંચો : VNSGUની પ્રથમ સેમેસ્ટરની પરીક્ષાઓ 5 માર્ચથી શરૂ થશે
સુરત આરોગ્ય અધિકારીએ વાતને ટાળી હતી
યુનિવર્સિટીની સમરસ બોય્ઝ હોસ્ટેલમાં કોવિડ કેર સેન્ટર બનાવવા મુદ્દે જ્યારે ETV ભારત દ્વારા સુરત આરોગ્ય અધિકારી આશિષ નાયકને પૂછવામાં આવ્યું, તો તેમના દ્વારા એમ જવાબ મળ્યો કે હાલ હું મિટિંગમાં છું, કંઈ કહી શકું એમ નથી. એમ કહીને આ વાતને જવા દેવામાં આવી હતી.