સુરત શહેરમાં જ્યારથી ઇ-ચલણની શરૂઆત કરવામાં આવી હતી, ત્યારથી અત્યાર સુધીમાં ઓટો રીક્ષા ચાલકો પર ડ્રાઈવર સીટ પર પેસેન્જર બેસાડવા ઉપરાંત અન્ય ટ્રાફિકને લગતા ગુનાઓ માટે 10,32,374 મેમા ઈશ્યુ કરવામાં આવ્યા છે. હાલ સુરત ટ્રાફિક પોલીસે નવો ટ્રાફિક નિયમન કાયદો આવ્યા બાદ કરોડો રૂપિયાના ચલણની રિકવરી શરૂ કરી દીધી છે. જેના માટે ખાસ ટીમ પણ બનાવવામાં આવી છે.
ઇ-ચલણમાં સૌથી વધુ દંડ કરવામાં આવ્યો હોય તો તે રીક્ષાચાલકો છે. જે ટ્રાફિક નિયમનના કાયદાનું ઉલ્લંઘન કરતા CCTV કેમરામાં કેદ થયા હતા. હવે સુરત ટ્રાફિક પોલીસે ઈ-ચલણની વસૂલી શરૂ કરી છે. આ કાર્યવાહીથી રોષે ભરાયેલા રીક્ષાચાલકો પોતાની રજૂઆત કરવા જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને આ કાર્યવાહી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. સુરત રેલવે સ્ટેશન ઓટોરીક્ષા એસોસિએશને આવેદનપત્ર આપી ઈ-ચલણ સંપૂર્ણ પણે માફ કરવામાં આવે તેવી માગણી કરી હતી.
ઉલ્લેખનીય છે કે. જ્યારથી ઇ-ચલણની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારથી અત્યાર સુધીમાં આશરે 121 કરોડનો દંડ ઈ-ચલણથી કરવામાં આવ્યો હતો. જેમાંથી, આશરે 10 કરોડની રિકવરી સુરત પોલીસ દ્વારા કરવામાં આવી છે, પરંતુ અત્યારસુધી 111 કરોડની વસૂલી બાકી હોવાના કારણે એક સ્પેશિયલ ટીમ બનાવી આ રિકવરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવતા સુરતના રીક્ષા ચાલકો રોષે ભરાયા છે.