- સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે વિધાનસભાના અધ્યક્ષોની પરિષદ યોજાશે
- કેવડીયામાં ટેન્ટ સિટી ખાતે કોવિડ સેન્ટર ઉભું કરવામાં આવ્યું
- દેશની તમામ વિધાનસભાના અધ્યક્ષોની 2 દિવસીય પરિષદ યોજાશે
સુરત: કોરોના કાળમાં નર્મદાના કેવડિયામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે 'સ્પીકર્સ કોન્ફરેન્સ ' યોજાશે. હાલ રાજ્યમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે આ આયોજનને લઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. કારણ કે હાલ સંક્રમણને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા રાત્રિ કરફ્યુ જાહેર કરાયો છે. જેથી પ્રજાનું કહેવું છે કે, જો સંક્રમણના ડરને કારણે કરફ્યૂ લાગી શકે તો આ કોન્ફરેન્સ થકી પણ કોરોના સંક્રમણ થવાની શક્યતાઓ રહી છે, જેથી તે સ્થગિત થવી જોઈએ.
મહાનુભાવો લેશે સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાત
આગામી 25 અને 26 તારીખે કેવડિયામાં ભારતની તમામ વિધાનસભાના અધ્યક્ષો, લોકસભા અને રાજ્યસભાના સ્પીકર તેમજ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ટેન્ટ સીટી 2 ખાતે યોજાનારી સ્પીકર કોન્ફરન્સમાં હાજર રહેવાના છે. જેમાં લોકસભાના સ્પીકર સહિત અન્ય મહાનુભાવો સાથે બેસીને ચર્ચા-વિચારણા કરશે. પહેલીવાર ગુજરાતમાં આ પરિષદ યોજાયા બાદ તમામ મહાનુભાવો 27 તારીખે સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાત પણ લેવાના છે.
કોરોના સમયગાળામાં કોન્ફરન્સ યોજવી હિતાવહ નહીં
ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે તેવા સમયમાં આ પ્રકારની પરિષદનું આયોજન યોગ્ય નથી. રાત્રીના 9થી સવારના 6 સુધી મહાનગરોમાં પણ કરફ્યૂ નાખી દેવામાં આવ્યો છે ત્યારે પરિષદના કારણે કેવડિયામાં કોરોના સંક્રમણ વધે તેવી શક્યતા છે.
કેવડિયા ખાતે તૈયારીઓનો ધમધમાટ શરૂ
કેવડિયા ખાતે પહેલીવાર સ્પીકર કોન્ફરન્સ યોજાતા સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. તંત્ર દ્વારા પણ આ મુદ્દે કામગીરી પર નજર રાખવામાં આવી રહી છે. ત્યારે લોકોમાં પણ આ વાતને લઇને અસંતોષ જોવા મળી રહ્યો છે. જ્યારે ચૂંટણીઓ હોય અથવા લોકાર્પણના કાર્યક્મો હોય ત્યારે કોરોના નથી નડતો પરંતુ તહેવારો પર સંક્રમણ વધતા કરફ્યૂ ઠોકી બેસાડાય છે તેવી લોકો ચર્ચા કરી રહ્યા છે.
કેવડીયા ખાતે ટેન્ટમાં પરિષદ યોજાશે
કેવડીયા ખાતે ટેન્ટમાં પરિષદ યોજવા જઇ રહી છે. ત્યારે દિવસમાં બે વખત કેવડીયાને સેનિટાઈઝ કરવામાં આવી રહ્યા છે. 25 અને 26 નવેમ્બરના રોજ બે દિવસીય પરિષદનું આયોજન થવાનું છે અને 27મી નવેમ્બરના રોજ પરિષદમાં ભાગ લેનારા અધ્યક્ષો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે.
5 ડૉકટરની ટીમ આ પરિષદમાં ખડે પગે રહેશે
આ પરિસદમાં ભાગ લેવા આવનારા મહેમાનોની પણ વિશેષ કાળજી રાખવામાં આવી રહી છે. એક ટેન્ટમાં 200 MLની સેનિટાઈઝની બોટલ, 3 લેયર માસ્ક, ગ્લોઝની 2 કીટ મૂકવામાં આવશે. ગાડીની અંદર પણ એક કીટ મૂકવામાં આવશે. 35 ડૉકટરની ટીમ આ પરિષદમાં ખડે પગે રહેશે. જેમાંથી 6 ટીમ રાઉન્ડ ધ કલોક એલર્ટ પર રહેશે, પ્રોટોકોલ મુજબ 2 સર્જનની ટીમ પણ હાજર રહેશે.
પરિષદમાં આવનારા મહેમાનો માટે કોવિડ સેન્ટર ઉભુ કરાયું
પરિષદમાં આવનારા મહેમાનો માટે કોવિડ સેન્ટર ઉભુ કરવામાં આવ્યું છે. સૌપ્રથમ તેમનો કોવિડ ટેસ્ટ કરવામાં આવશે. આ પહેલા તેમનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો છે. તો તેમના રિપોર્ટ પણ મંગાવવામાં આવશે. ગાડીઓને પણ ચેકિંગ કરી સેનિટાઇઝ અને થર્મલ ગનથી ચેક કરવામાં આવશે. આમ બે દિવસીય પરિષદમાં કેવડિયા ધમધમાટ શરૂ થઈ ગયો છે અને સ્વસ્થની પણ ખૂબ જ તકેદારી રાખવામાં આવી રહી છે. હવે જોવાનું એ છે કે, તંત્ર કેવી રીતે કોરાનાની મહામારીમાં કામ કરશે?