સુરત કન્યાકુમારીથી લઈ કાશ્મીર સુધી કોંગ્રેસ દ્વારા ભારત જોડો પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રામાં કોંગ્રેસના 118 કાર્યકર્તાઓ 150 દિવસ સુધી 3500 કિલોમીટરની પદયાત્રા કરી ( 118 Leaders to Cover 3500 km in 150 Day ) લોકોને મળી તેમની સમસ્યા જાણશે. આ અંગે સુરત ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્માએ જાણકારી આપી હતી.
ભારત જોડો યાત્રા શરુ કરાવશે રાહુલ ગાંધી ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી અને વર્ષ 2024 માં લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસે કમર કસી લીધી છે. ભારતીય જનતા પાર્ટીના 8 વર્ષના કાર્યકાળ દરમિયાન લોકોને હાલાકી ભોગવી પડી છે એમ દર્શાવવા માટે કોંગ્રેસ હવે કન્યાકુમારીથી કાશ્મીર સુધી પદયાત્રા કાઢવા જઈ રહી છે. સુરત ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્માએ જાણકારી આપતા જણાવ્યું હતું કે ત્રણ પ્રમુખ સમસ્યાઓ વિરુદ્ધ ભારતીયોને એકજૂટ કરવા માટે આ યાત્રા કાઢવામાં આવી રહી છે. જેમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ જોડાશે.
દરરોજ 25 કિલોમીટર પદયાત્રા કરશે તેઓએ જણાવ્યું હતું કે 7 સપ્ટેમ્બર ના રોજ આ યાત્રા કાઢવામાં આવશે. કોંગ્રેસના 300 કાર્યકર્તાઓ સવારે 15 કિલોમીટર યાત્રા કરશે અને ત્યારબાદ બપોરે આરામ કરી લોકોને મળશે. ત્યારબાદ સાંજે ફરીથી 10 કિલોમીટરની યાત્રા કર્યા પછી લોકો સાથે સભા અને ચોપાલના માધ્યમથી મળશે. તમિલનાડુ, કેરલ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાના, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, ઉત્તરપ્રદેશ, દિલ્હી, પંજાબ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીર સુધીની આ મોટી પદયાત્રા થશે.