- 1938માં હરિપુરા ખાતે યોજાયું હતું 51મું કૉંગ્રેસ અધિવેશન
- અફઘાનિસ્તાનના રાજદૂતે પહેલા હરિપુરાનો કર્યો ઉલ્લેખ
- જેના જવાબમાં હરિપુરાના ઇતિહાસ અંગે પ્રધાનમંત્રીએ કર્યું ટ્વીટ
બારડોલી : સુભાષચંદ્ર બોઝ અને ગુજરાતનો સંબધ જગ જાણીતો છે. વર્ષ 1938માં દક્ષિણ ગુજરાતના બારડોલી તાલુકાના તાપી નદી કિનારે વસેલા નાનકડા ગામ હરિપુરામાં 51મું કોંગ્રેસ અધિવેશન સુભાષબાબુના અધ્યક્ષ સ્થાને યોજાયું હતું. જેના યજમાન સરદાર વલ્લભભાઈ પટેલ હતા. ગુરુવારે હરિપુરા ફરી વખત રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં રહ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અફઘાનિસ્તાનના રાજદૂતની ટ્વીટના જવાબમાં હરિપુરા ગામનો ઉલ્લેખ કર્યો હતો.
હરિપુરામાં પણ ઇતિહાસ સમાયેલો છે
અફઘાનિસ્તાનના રાજદૂત ફરીદ મામુન્દજઈએ ગુરુવારના રોજ એક ટ્વીટ કરી હતી. જેમાં તેમણે ભારતના ડોકટર દ્વારા કરવામાં આવેલા તેમના ઈલાજના બદલામાં ફી નહીં લેવા અંગે હૃદયસ્પર્શી પ્રસંગ વર્ણવી ભારત અફઘાનિસ્તાનના મીઠા સંબંધો અંગેનો અનુભવ જણાવ્યો હતો. આ ટ્વીટના જવાબમાં બાલકૌરસિંગ ધીલ્લોન નામના એક વ્યકતિએ તેના ગામ હરિપુરા આવવા માટે કહ્યું હતું. જે અંગે મામુન્દજઈએ વળતો પ્રશ્ન પૂછ્યો હતો કે ગુજરાતના સુરતમાં આવેલું હરિપુરા ? આ વાતચીતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જોડાયા હતા અને જણાવ્યું હતું કે, "તમે (ફરીદ મામુન્દજઈ) બાલકૌરસિંગ ધીલ્લોનના ઘરે તો જજો જ પણ ગુજરાતના હરિપુરા પણ જજો, આ ગામ પણ એક ઇતિહાસ સંગ્રહીને બેઠું છે. મારા ભારતના ડૉક્ટર સાથેનો જે અનુભવ તમે જણાવ્યો છે તે ભારત અને અફઘાનિસ્તાનના સંબંધની એક મહેક છે"
આ પણ વાંચો : આજનો ઇતિહાસ: 23 માર્ચ 1931ના રોજ ભગતસિંહ, રાજગુરુ, સુખદેવને ફાંસી અપાઈ
1938માં હરિપુરામાં યોજાયું હતું કોંગ્રેસનું અધિવેશન
વર્ષ 1938માં 19 થી 21મી ફેબ્રુઆરીએ બારડોલી તાલુકાના હરિપુરા ગામમાં કોંગ્રેસનું 51મું અધિવેશન યોજાયું હતું. સુભાષ બાબુ તે સમયે બારડોલી સ્વરાજ આશ્રમની મુલાકાતે આવ્યા હતા. ગાંધીજી પણ આશ્રમમાં જ હતા. ગાંધીજીએ સુભાષ બાબુને કહ્યું કે, ભલે આપણા રસ્તા અલગ હોય પણ લક્ષ્ય તો એક જ દેશ આઝાદી છે. આથી તમારે બારડોલીમાં યોજાનારા કોંગ્રેસ અધિવેશનમાં આવવાનું છે. થોડા વિચાર કર્યા પછી સુભાષબાબુએ અધિવેશનમાં ઉપસ્થિત રહેવાનું આમંત્રણ સ્વીકાર્યું. સરદાર પટેલ અધિવેશનના યજમાન અને સુભાષબાબુ અધ્યક્ષ બને તેવું નક્કી કરવામાં આવ્યું.
આ પણ વાંચો : કાશ્મીરના ઇતિહાસ અને 370 કલમ વિશે સંપૂર્ણ માહિતી
2009માં નરેન્દ્ર મોદીએ અહીંથી જ ઇ-ગ્રામ વિશ્વ ગ્રામ યોજના શરૂ કરી હતી
નરેન્દ્ર મોદીને હરિપુરા ગામ સાથે જૂનો સંબધ છે. 2009માં જ્યારે તેઓ ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે, 23મી જાન્યુઆરી 2009માં હરિપુરાથી રાજ્યની 13 હજાર 693 ગ્રામ પંચાયતોમાં ઇ-ગ્રામ વિશ્વ ગ્રામ યોજનાનો શુભારંભ કરાવ્યો હતો. એટલું જ નહીં ગત 23મી જાન્યુઆરી 2021ના રોજ સભાષ બાબુની જન્મજયંતી નિમિતે પણ પશ્ચિમ બંગાળના એક કાર્યક્રમમાં તેમણે હરિપુરાના નામનો ઉલ્લેખ કર્યો હતો.