- માસ્ક ન રહેરનારને પોલીસ જ આપશે સિંગલ-યૂઝ માસ્ક
- સાંસદ સી. આર. પાટીલે મિટિંગ બાદ લીધો નિર્ણય
- લાઉડ-સ્પિકર સાથેની જનજાગૃતિ માટેની ગાડીઓ ફેરવવાનું શરૂ કર્યુ
સુરત : માસ્ક પહેર્યો ન હોય અથવા અવ્યવસ્થિત રીતે મોં ઢાંક્યું હોય ત્યારે 1,000 રૂપિયા દંડ વસૂલતી પોલીસ અને મનપા સામે લોકોના ભારે આક્રોશ અને વિધાનસભામાં ધારાસભ્યોની CM સામે મજબૂત રજૂઆત બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ અને સાંસદ સી. આર. પાટીલે શહેરના પોલીસ કમિશ્નર અને મ્યુનિસિપલ કમિશ્નર તથા અન્ય સાથે બેઠક કરી નવી નીતિ નક્કી કરી છે.
મેયર હેમાલી બોઘાવાલાએ આપી માહિતી
આ અંગે જાણકારી આપતા મેયર હેમાલી બોઘાવાલાએ જણાવ્યું હતું કે, દંડ નહિં લેવાય પરંતુ હવે પોલીસ અને મનપા દંડ કરવાને બદલે લોકોને માત્ર કોરોના ગાઈડલાઈન વિશે જાગૃતિ આપવા ઉપર ભાર મુકવામાં આવશે. એટલું જ નહિં, કોઇપણ વ્યક્તિ માસ્ક વગર દેખાશે તો દંડને બદલે તેને સામેથી સિંગલ યૂઝ માસ્ક સ્થળ પર જ નિઃશુલ્ક આપવામાં આવશે.
આ પણ વાંચો:AMCએ 726 ફેરીયાઓ પર બોલાવી તવાઇ, માસ્ક ન પહેરવા પર ફટકાર્યો દંડ
લોકોમાં દંડને લઈ આક્રોશ વધતા લેવાયો આ નિર્ણય
મેયર હેમાલી બોઘાવાલાએ વધુમાં જણાવ્યું હતું કે, શહેરના ધારાસભ્યોએ સાંસદ સી.આર.પાટીલને પણ લોકો દ્વારા દંડના મામલે થતી કનડગત અંગે રજૂઆત કરી હતી, જેને કારણે સાંસદ સી. આર. પાટીલે લાંબી મિટિંગ કરી મનપાને પોલીસ કમિશ્નરને દંડ નહીં પણ માસ્કની નીતિ સ્પષ્ટ કરી હતી, જેને પગલે હવે કોરોના કાળમાં દંડ ન આપી શકવાની સ્થિતી વચ્ચે લોકોએ પોલીસ અને મનપા સાથે ઘર્ષણમાં ઉતરવું પડશે નહિં. આમ લોકોનો આક્રોશ વધતા વચ્ચેનો માર્ગ પસંદ કરાયો છે. જેને કારણે હવે લોકો દંડના ડરથી નહિં પણ પોતાના આરોગ્ય માટે માસ્ક યોગ્ય રીતે પહેરે તેના પર સુરત પોલીસ અને મનપા ધ્યાન કેન્દ્રિત કરશે.
આ પણ વાંચો:સામાન્ય જનતા માસ્ક ન પહેરે તો 1000નો દંડ અને નેતાઓ ન પહેરે તો 500 !
લાઉડ-સ્પિકર સાથેની જનજાગૃતિ માટેની ગાડીઓ ફેરવવાનું શરૂ
શહેરના પોલીસ જવાનો ટ્રાફિક સર્કલ જંક્શન ઉપર લોકોને સમજાવતા અને માસ્ક ન ધરાવતા લોકોને માસ્કની વહેંચણી કરતા જોવા મળ્યા હતા. મનપાની જેમ પોલીસે પણ લાઉડ-સ્પિકર સાથેની જનજાગૃતિ માટેની ગાડીઓ ફેરવવાનું શરૂ કરી દીધું છે. મનપા કમિશનર બંછાનિધિ પાનીએ કહ્યું હતું કે, લોકોને માસ્ક પહેરવા માટે સમજાવાશે અને એક જ વ્યક્તિ બીજી વખત માસ્ક વગર દેખાશે તો એને દંડની ચિમકી આપવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, મનપાનું સમગ્ર ધ્યાન માસ્ક ઉપરાંત વધુને વધુ જાગૃતિ ફેલાય તેના ઉપર રહેશે.