- સ્વચ્છતા સર્વેક્ષણ 2020-21 માટે સુરતે કામગીરી શરૂ કરી
- પ્રથમ ક્રમાંકે આવવા માટે સિટીઝન ફીડબેક લેવાનું શરૂ કર્યું
- લોકો પોતે ભીનો કચરો અને સૂકો કચરો અલગ કરવાની કામગીરી કરે છે
સુરત: સ્વચ્છતા સર્વેક્ષણ 2020-21 શરૂ થઈ ગયું છે. ત્યારે સુરતને બીજા નંબરથી પ્રથમ નંબર પર પહોંચાડવા માટે મ.ન.પા દ્વારા તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. સુરતમાં કોરોના વેક્સિન લેવા આવનારા તમામ વ્યક્તિઓને પણ ફીડબેક ભરવા માટે અપીલ કરાઈ રહી છે.
સુરતને દેશનું નંબર વન શહેર બનાવવા માટેની તૈયારી
સ્વચ્છતા ક્ષેત્રે સુરતને અવ્વલ લાવવા માટે મ.ન.પા. કર્મીઓ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો ફીડબેક આપી શકે તે માટે સીટી લિંક અને BRTS બસ સ્ટેશન તેમજ બસો પર જાહેરાત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત જ્યાં વધારે સંખ્યામાં લોકો એકઠા થતા હોય તેવી જગ્યાઓ પર પણ આયોજન કરાયું છે. ખાસ કરીને કોરોના વેક્સિન મૂકાવવા આવતા લોકોને જ્યારે 30 મિનિટ માટે ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવે છે. ત્યારે તે લોકોને પણ ફીડબેક ભરવા માટે વિનંતી કરવામાં આવે છે. ગત વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણમાં સીટીઝન ફીડબેકમાં સારા માર્ક્સ મળ્યા હોવા છતાં સુરતે બીજા ક્રમે રહેવું પડ્યું હતું. જેથી ફીડબેકને વધુ અસરકારક બનાવીને સુરતને દેશનું નંબર વન શહેર બનાવવા માટેની તૈયારી મનપા કરી રહી છે.
સિટીઝન ફીડબેક 25 ટકાથી વધારે માર્ક્સનો હિસ્સો ધરાવે છે
આ અંગે સુરત મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, સમગ્ર ભારતના 4200થી વધારે શહેરો આ સર્વેક્ષણમાં ભાગ લઈ રહ્યા છે. સુરતને નંબર એક બનાવવા માટે લોકોની ફીડબેક અત્યંત જરૂરી છે. તે મળ્યા બાદ સુરત આગળ વધી શકશે. કારણ કે સિટીઝન ફીડબેક 25 ટકાથી વધારે માર્ક્સનો હિસ્સો ધરાવે છે. સુરતમાં નાગરિકોએ મળીને એક પહેલ પણ શરૂ કરી છે. જેમાં લોકો પોતે ભીનો કચરો અને સૂકો કચરો અલગ કરવાની કામગીરી કરી રહ્યા છે અને સમાજમાં ઉત્તમ ઉદાહરણ સ્થાપિત કરી રહ્યા છે. તેમના કારણે સુરત માત્ર ફીડબેકમાં જ નહીં પરંતુ કામગીરીમાં પણ ભાગીદારી નોંધાવી રહ્યું છે. જે દરેક સુરતવાસીઓ માટે ગર્વની વાત છે.
આ પણ વાંચો: સ્વચ્છતા સર્વેક્ષણ અભિયાન હેઠળ દેશમાં અવ્વલ નંબર મેળવવા વાપી પાલિકાએ શહેરમાં મનમોહક ચિત્રો ચિતરાવ્યાં