- મેટાસ એડવાન્ટિસ્ટ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓનું ઓનલાઇન શિક્ષણ બંધ કરવામાં આવ્યું
- વાલીમંડળે જિલ્લા શિક્ષણ અધિકારીની ઓફિસ બહાર ધરણા કર્યા
- શિક્ષણ અધિકારી અને જિલ્લા કલેક્ટરને કરાઈ હતી રજૂઆત
સુરતઃ શહેરમાં અઠવાલાઈનસ વિસ્તારમાં આવેલી મેટાસ એડવાન્ટિસ્ટ સ્કૂલ દ્વારા 19 એપ્રિલના રોજથી નવું સત્ર ચાલુ થયું છે. જોકે, વિદ્યાર્થીઓ દ્વારા સ્કૂલ ફી ભરવામાં ન આવતા સ્કૂલ દ્વારા 1000થી વધુ વિદ્યાર્થીઓનું ઓનલાઇન શિક્ષણ બંધ કરવામાં આવ્યું છે. આ બાબતે સુરતના ઓલ સ્ટુડન્ટ એન્ડ પેરેન્ટ્સ વેલ્ફેર એસોસિયેશન દ્વારા આ બાબતે 22 એપ્રિલના રોજ સુરત જિલ્લા શિક્ષણ અધિકારી અને સુરત જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી. પરંતુ હજી સુધી આ વિષય ઉપર જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કોઈ પણ કાર્યવાહી ન કરતા આજે સોમવારે સુરત ઓલ સ્ટુડન્ટ એન્ડ પેરેન્ટ્સ વેલ્ફેર એસોસિએશન દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીની ઓફિસની બહાર ધરણા કર્યા હતા. જ્યાં સુધી જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સુરતની મેટાસ એડવેન્ટિસ્ટ સ્કૂલ ઉપર યોગ્ય કાર્યવાહી ન કરવામાં આવે ત્યાં સુધી આ ધરણા ચાલુ રહેશે.
આ પણ વાંચોઃ સુરતમાં પ્રિ.સ્કૂલના સંચાલકો અને વાળી મંડળ દ્વારા DEO કચેરીએ કરાઇ રજૂઆત
સ્કૂલનું નવું સત્ર ચાલુ થયુ હોવા છતા ઓનલાઇન શિક્ષણ બંધ કરાયું
સુરત જિલ્લા શિક્ષણ અધિકારી ઓફિસની બહાર ઓલ સ્ટુડન્ટ એન્ડ પેરેન્ટ્સ વેલ્ફેર એસોસિએશનના પ્રમુખ ચિરાગ ઘનશ્યામભાઈ ઠક્કરએ જણાવ્યું કે, 19 એપ્રિલ 2021થી અમારા બાળકોની સ્કૂલ મેટાસ એડવાન્ટિસ્ટ સ્કૂલનું નવું સત્ર ચાલુ થઈ ગયું છે. જોકે, સ્કૂલ દ્વારા 1000થી વધારે બાળકોનું ઓનલાઇન શિક્ષણ બંધ કરવામાં આવ્યું છે. જેથી ક્યાંકને ક્યાંક સ્કૂલની દાદાગીરી હોય એમ નજરે પડી રહ્યું છે. અમારા ડોનેશનની ફીસ આ સ્કૂલમાં જમા છે અને ગયા વર્ષની જે ટ્યુશન ફીસ જે સરકારે લેવાનું કહ્યું છે, એમાં પણ સ્કૂલ સંપૂર્ણ ફીસ માંગી રહી છે. સ્કૂલનું મેનેજમેન્ટ વાલીઓને છેતરી પોતાના ખીસા ગરમ કરવાનું કાર્ય કરી રહી છે. વધુમાં જણાવ્યું કે, આ બાબતે અમે વારંવાર રજૂઆત કરી છે. સ્કૂલ દ્વારા ક્યાંકને ક્યાંક દાદાગીરી અને જિલ્લા શિક્ષણ અધિકારીની છાવળીમાં આ થઇ રહ્યું હોય તેવું સ્પષ્ટ પણે લાગી રહ્યું છે.
આ પણ વાંચોઃ સુરત વાલી મંડળે ટ્યુશન ફીને લઇ FRCને કરી રજૂઆત
રાજ્ય શિક્ષણ પ્રધાન ભુપેન્દ્ર ચુડાસમાને પણ ઓનલાઈન અરજી કરાઈ હતી
ઓલ સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ વેલ્ફેર એસોસિયેશનના મેમ્બર જેનીશા અલીયાએ જણાવ્યું કે, મેટાસ એડવાન્સ સ્કૂલે 1000 સ્ટુડન્ટનું ઓનલાઇન શિક્ષણ બંધ કર્યું છે. તેથી અમે જિલ્લા શિક્ષણ અધિકારીની ઓફિસમાં અરજી કરવા આવ્યાં છીએ. આ પહેલા જાહેર રજૂઆત કરી હતી ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા એમ કહેવામાં આવ્યું હતું કે, કાલથી ચાલુ થઇ જશે, પરંતુ હજી સુધી ઓનલાઇન શિક્ષણ ચાલુ થયું નથી. તેથી અમે આજે સોમવારે ફરીથી અરજી કરવા આવ્યાં છીએ. મેટાસ સ્કૂલ દ્વારા એડમિશનના સમયે અમારી પાસેથી ડોનેશન લીધું હતું, તે સ્કૂલવાળા પાસે 50,000 સુધી જમા છે. તેથી અમે અમારું ડોનેશન પરત માગ્યું હતુ પરંતુ સ્કૂલવાળા આપતા નથી. અમે ગયા વર્ષે ફીસ પ્લે નઈ કરી હતી. તેથી સ્કૂલવાળાએ બાળકોનું ઓનલાઇન શિક્ષણ બંધ કર્યું છે. એમની દાદાગીરી છે કે, જો 30 તારીખ સુધીમાં તમે પુરી ફીસ નહી ભરો તો તમારા બાળકનું સ્કૂલમાંથી રજીસ્ટ્રેશન કેન્સલ કરવામાં આવશે. અમે રાજ્ય શિક્ષણ પ્રધાન ભુપેન્દ્ર ચુડાસમાને પણ ઓનલાઈન અરજી કરી છે પણ તેમના તરફથી પણ કોઈ એક્શન લેવામાં આવતું નથી.