- ગોવાથી લાવવામાં આવી રહ્યો હતો વિદેશી દારૂ
- બાતમીના આધારે સુરત LCBની કાર્યવાહી
- રાજસ્થાનના બે શખ્સોની પોલીસે કરી અટકાયત
- માખિંગા ગામની સીમમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 વોચ ગોઠવી હતી
બારડોલી: સુરત જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા પલસાણા તાલુકાના માખિંગા ગામ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ 48 પરથી વિદેશી દારૂ ભરેલા ટેમ્પો સાથે બેને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે ટેમ્પોમાંથી કુલ 13 લાખ રૂપિયાથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. આ દારૂ ગોવાથી ગુજરાતમાં લાવવામાં આવી રહ્યો હતો. મળતી માહિતી અનુસાર સુરત LCBની ટીમના ASI કિરણ સોમા અને અન્ય સ્ટાફ સોમવારે રાત્રે કડોદરા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે સમયે LCB PI બી. કે. ખાચરને બાતમી મળી હતી કે એક ટેમ્પામાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ભરી પલસાણા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરથી પસાર થનાર છે.
પોલીસે ટેમ્પોની તલાશી લેતા મળ્યો દારૂનો મોટો જથ્થો
બાતમીના આધારે પોલીસે માખિંગા ગામની સીમમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 48 પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન એક ટેમ્પો આવતા પોલીસે તેને રોકી તપાસ કરી હતી અને ટેમ્પામાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસ પૂછપરછમાં ટેમ્પોમાં બેઠેલા રાજસ્થાનના બંને શખ્સોએ પોતાના નામ મનોહરસિંહ નારાયણસિંઘ રાજપુત અને કમલેશ મીઠુંલાલ સાલવીહોવાનું જણાવ્યું હતું. આ દારૂનો જથ્થો ગોવામાં આર. એન્ડ કે ટ્રાન્સપોર્ટ પણજીના રમેશભાઈ નામના શખ્સે ભરાવી આપ્યો હતો અને કડોદરા નીલમ હોટલ પર પહોંચી ફોન કરવા જણાવ્યું હોવાની કબૂલાત કરી હતી, પરંતુ કડોદરા પહોંચે તે પહેલા જ પોલીસે ટેમ્પો ઝડપી લીધો હતો.
પોલીસે દારૂ અને ટેમ્પો સહિત કુલ 21 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો
પોલીસે કુલ 3,252 બોટલ વિદેશી દારૂ જેની કિમત રૂપિયા 13,00,800, ટેમ્પો કે જેની કિંમત રૂપિયા 8,00,000, બે મોબાઇલ ફોન જેની કિમત રૂપિયા 3,000 અને રોકડા રૂપિયા 4,540 મળી કુલ 21,08,340 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પલસાણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.