- અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે જમીન માપણીનું કામ શરૂ
- ભૂમિપૂજનના ત્રણ વર્ષે સુરતમાં ફાઉન્ડેશનનું કામ શરૂ કરાયું
- વર્ષ 2024 સુધી 237 કિમીનો રૂટ તૈયાર કરવામાં આવશે
સુરતઃ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે બુલેટ જેવી જ ગતિ પકડી રહ્યો છે. ગુજરાતમાં આશરે 95 ટકા જમીન સંપાદનનું કામ પૂર્ણ થઈ ગયું છે. બુલેટ ટ્રેનના ભૂમિપૂજનના ત્રણ વર્ષે સુરતમાં ફાઉન્ડેશનનું કામ શરૂ થયું છે. સુરતના ચોર્યાસી તાલુકાના વકતાણા ગામથી પસાર થનારી બુલેટ ટ્રેનની જમીનનું ઊંડાણની માપણી કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ સાથે માટીની સ્થિતિની પણ તપાસ કરવામાં આવી રહી છે. સી-4 પેકેજમાં 237 કિમીના ભાગ માટે પહેલા જ કરાર થઈ ચૂક્યો છે. ડિઝાઈન અને નિર્માણ માટે નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ અને લાર્સન એન્ડ ટૂબ્રો વચ્ચે કરાર થયા હતા.
14 નદી ક્રોસિંગ, 42 રોડ ક્રોસિંગ અને 6 રેલવે ક્રોસિંગ સામેલ
પેકેજ સી-4માં વાપીથી વડોદરા સુધી 237 કિમી સુધીના રૂટ માટે જમીનના ઊંડાણની માપણી શરૂ કરાઈ છે. આ રૂટમાં વાપી, બિલિમોરા, સુરત અને ભરૂચ સહિત ચાર સ્ટેશન આવશે. આમાં ભરૂચ-વડોદરા વચ્ચે 350 કિમી લાંબી પહાડી સુરંગ બનાવવાનું કામ પણ સામેલ છે. 14 નદી ક્રોસિંગ, 42 રોડ ક્રોસિંગ અને 6 રેલવે ક્રોસિંગ સામેલ છે. ચાર વર્ષનો સમય નક્કી કરવામાં આવશે. વર્ષ 2024 સુધી 237 કિમીનો રૂટ તૈયાર કરવામાં આવશે. સી-4 પેકેજમાં વાપી-સુરત- વડોદરા વચ્ચે 237 કિમી રૂટના કરાર હસ્તાક્ષર થયા પછી સી-6 પેકેજના હસ્તાક્ષર પણ થઈ ચૂકયું છે.