સુરતઃ પર્યાવરણના રક્ષણ માટે ખુશીના મનમાં જે વિચાર હતા તેનાથી પ્રભાવિત થઈ યુનાઇટેડ નેશન્સ એન્વાયરન્મેન્ટ પ્રોગ્રામ દ્વારા તેને આ પદવી આપવામાં આવી છે. હવે ખુશી અનેક દેશોમાં પર્યાવરણના રક્ષણ માટે થતા કાર્યોનું અવલોકન કરી ભારતમાં તેનો કેવી રીતે ઉપયોગ કરી શકાય તે માટે પ્રોજેક્ટ તૈયાર કરશે.
સુરતના કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીની દીકરી ખુશી પર્યાવરણના રક્ષણ માટે અત્યંત સંવેદનશીલ છે. આ જ કારણ છે કે, યુનાઇટેડ નેશનલ એન્વાયરન્મેન્ટ પ્રોગ્રામના સપ્ટેમ્બર મહિનામાં યોજાયેલી ટૂંઝા ઇકો જનરેશનમાં તેને ગ્રીન એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવી છે.
આ અંગે 17 વર્ષીય ખુશીએ જણાવ્યું હતું કે, પર્યાવરણમાં રહીને પણ લોકો પર્યાવરણને જોઈ શકતા નથી અને પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે. તેની જાણ મોટાભાગના લોકોને થતી નથી. જેથી લોકોને પર્યાવરણ અંગે જાગૃત કરવાની ખૂબ જ જરૂર છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પાંચ દેશોમાં જે રીતે પર્યાવરણના રક્ષણ માટે અનેક કાર્યો થઇ રહ્યા છે. તેને ધ્યાનમાં રાખી ઑસ્ટ્રેલિયા, નેપાળ સહિત અન્ય દેશોના યુવાઓ સાથે મળી ભારત માટે પણ કંઈક પર્યાવરણ લક્ષી કાર્ય કરવાનો મુખ્ય હેતુ છે. ભારતની વાત કરવામાં આવે તો સૌથી વધુ યુવાન આ દેશમાં રહે છે. જો તમામ યુવાન દેશમાં પર્યાવરણના માટે સામે આવે તો પર્યાવરણનું રક્ષણ ચોક્કસથી કરી શકાય છે.