સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ દિનેશ નાવડીયા, ઉપપ્રમુખ આશિષ ગુજરાતી, તત્કાલિન નિવૃત્ત પ્રમુખ કેતન દેસાઇ, માનદ મંત્રી નિખિલ મદ્રાસી અને માનદ ખજાનચી મનિષ કાપડીયાએ સોમવારે ગાંધીનગર ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની રૂબરૂ મુલાકાત લીધી હતી. જેમાં ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ વિભાગના રાજ્ય કક્ષાના પ્રધાન કિશોર કાનાણી પણ હાજર રહ્યા હતા. ચેમ્બરના પ્રતિનિધી મંડળે મુખ્યપ્રધાનને સુરત અને ઓડિશા માટે વધારાની શ્રમિક ટ્રેન શરૂ કરવાની રજૂઆત કરી હતી.
આ માટે ગુજરાત સરકાર તરફથી જરૂરી મંજૂરી માટેનો પત્ર રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારને તાત્કાલિક ધોરણે લખી આપે તેવી માંગણી કરી હતી. જે અંતર્ગત મુખ્ય પ્રધાને હકારાત્મક જવાબ આપ્યો હતો અને તુરંત જ ગુજરાત સરકારની મંજૂરી રેલવે મંત્રાલયને પહોંચાડવાની હૈયાધરપત આપી હતી.
ચેમ્બર દ્વારા સુરતમાં ટેક્સટાઇલ યુનિવર્સિટી શરૂ કરવા માટે ઘણી વખત રજૂઆત કરવામાં આવી છે. આ અંગે ફરીથી મુખ્યપ્રધાનને રજૂઆત કરાતા તેમણે સુરતનું સપનું સાકાર થશે તે દિશામાં રાજ્ય સરકાર પ્રયત્ન કરશે તેમ જણાવ્યું હતું. તદુપરાંત વ્યાપાર અને ઉદ્યોગને વેગવંતુ બનાવવા માટે કોવિડ–19ની ગાઇડલાઇનને ધ્યાનમાં રાખીને ચેમ્બરને બીટુબી ધોરણે એકઝીબીશન કરવાની પણ સરકાર તરફથી મંજૂરી આપવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.
ચેમ્બર દ્વારા આગામી સપ્તાહમાં યોજાનાર વેબિનારમાં મુખ્યપ્રધાન સુરત સહિત દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારોને સંબોધન કરશે અને તેઓના વિવિધ પ્રશ્નોને પણ સાંભળશે. રાજ્ય સરકારે ગત વર્ષે બજેટમાં સુરતને વરાછા ખાતે સરકારી સાયન્સ કોલેજ આપવાની જાહેરાત કરી હતી. આ અંગે મુખ્યપ્રધાને રાજ્ય સરકાર ટૂંક સમયમાં વહીવટી મંજૂરી આપશે તેમ જણાવ્યું હતું. ચેમ્બરના પ્રતિનિધી મંડળે ઉર્જા પ્રધાને સૌરભ પટેલની પણ મુલાકાત લીધી હતી તથા તેમની સાથે સમગ્ર દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોને મુંઝવતા GEBના પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરી હતી. ચેમ્બર દ્વારા નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં યોજાનારા વેબિનારમાં ઉર્જા પ્રધાન સૌરભ પટેલ જોડાશે અને દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારોના વિવિધ પ્રશ્નોને સાંભળશે. ચેમ્બર આ વર્ષે એનર્જી એક્ઝિબીશનનું પણ આયોજન કરશે, જેમાં ગુજરાત સરકાર સહયોગ આપશે તેમ ઉર્જા પ્રધાને જણાવ્યું હતું. ચેમ્બરના પ્રતિનિધી મંડળે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ વિભાગના રાજ્ય કક્ષાના પ્રધાન કિશોર કાનાણીની પણ શુભેચ્છા મુલાકાત લીધી હતી.