- આત્મહત્યા કરનાર યુવક 'હું આવું છું' કહીને ઘરેથી નીકળ્યો હતો
- મૃતક ડિંડોલી વિસ્તારના રેલવે ફાટક લક્ષ્મીનારાયણ વિભાગનો રહેવાસી
- મૃતક હીરા ઉદ્યોગમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરી ગુજરાન ચલાવતો હતો
સુરતઃ ડિંડોલી વિસ્તારમાં આવેલી રેલવે ફાટક લક્ષ્મીનારાયણ વિભાગ-1માં રહેતા 36 વર્ષીય હેમંત નવીનચંદ્ર પટેલે ટ્રેન સામે પડતું મુક્યું હતું. આ યુવકે પાંડેસરા નંદન રેલવે ઓવરબ્રીજ નીચે ટ્રેન પર પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. હેમંતને સંતાનમાં એક પૂત્ર અને પૂત્રી છે. હીરા ઉદ્યોગમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ગયા સોમવારની રાત્રે હેમંત પર્સ, ઘડિયાળ,મોબાઇલ અને બાઇક ઘરે મૂકીને હું આવું છું તેમ કહી નીકળ્યો હતો. જોકે, મોડી રાત સુધી ઘરે પરત ન આવતા પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા હતા. રાત્રે 12.30 વાગ્યે અરસામાં પોલીસ સ્ટેશન પરથી હેમંતની બહેન પર ફોન આવતા પરિવારના લોકો દોડી આવ્યા હતા. હેમંતને મૃત હાલતમાં જોઈ પરિવારમાં શોક ફેલાઈ ગયો હતો
યુવકે પારિવારિક ઝઘડાના કારણે આત્મહત્યા કર્યું હોવાનું અનુમાન
પોલીસે તપાસ કરતા હેમંતના ખિસ્સામાંથી એક સ્યુસાઈડ નોટ મળી હતી, જેમાં મારો મૃતદેહ મારી પત્નીને ન આપવાનોનો ઉલ્લેખ કરી બહેનનો મોબાઇલ નંબર લખ્યો હતો. હાલ સ્યુસાઈડ નોટના આધારે પારિવારિક ઝઘડાને લઈ હેમંતે આત્મહત્યા કરી હોય તેવું અનુમાન છે. જોકે, પોલીસ તપાસ બાદ જ આત્મહત્યાનું સાચું કારણ સામે આવશે.