- ડોક્ટર પર દર્દીના પતિએ આરીથી હુમલો કર્યો
- દોઢ મહિનાથી વજન ઉતારવાની ચાલી રહી હતી સારવાર
- દર્દીના પતિએ પૈસા પર કરવા ડોક્ટરને આપી ધમકી
સુરતઃ આ અંગે કતારગામ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, ડભોલી ચાર રસ્તા પાસે શાયોના ક્લિનિકના ડોક્ટર પર દર્દીના પતિએ આરીથી હુમલો કર્યો હતો. ડૉ.અજય એમબીબીએસ તબીબ છે. હાલ તે હર્બલ પ્રોડક્ટ વેચે છે. કૈલાસનગર સોસાયટીમાં રહેતો મનોજ દુધાતરા શિક્ષક છે. મનોજ પત્ની પાયલને વજન ઉતારવા માટે ડોક્ટર અજય પાસે લઈ ગયો હતો. છેલ્લા દોઢેક મહિનાથી સારવાર ચાલતી હતી, પરંતુ વજન નહીં ઉતરતા મનોજ ઉશ્કેરાઈ ગયો હતો.
મનોજે ડોક્ટરને આપી હતી ધમકી
મનોજે આરોપ લગાવ્યા હતા કે, પત્નીની વજન ઉતારવાની સારવાર બરાબર થઈ નથી. આથી ડોક્ટર અજય સારવાર પાછળ જે ખર્ચ થયો તે પરત આપે. મનોજે ડોક્ટરને ધમકી પણ આપી કે, જો રૂપિયા નહીં આપે તો મારી નાખીશ. ડૉક્ટર રૂપિયા ન આપતા મનોજે તેના ગળા પર આરીથી ઘા કરીને ગંભીર ઈજા પહોંચાડી હતી અને ક્લિનિકમાંથી ડોક્ટરનો ફોન અને પર્સ લઈને નાસી ગયો હતો. પર્સમાં રૂપિયા 1500 હતા. ઈજાગ્રસ્ત ડોક્ટરની સારવાર ચાલી રહી છે અને પોલીસે આરોપી પતિની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.