બારડોલી: સામાજિક ન્યાય અને અધિકારિતા પ્રધાન ઈશ્વરભાઈ પરમારના હસ્તે તાલુકાના ઈસરોલી, રાયમ, રૂવા, ખોજ, સમથાણ, સીંગોદ, ઓરગામ, મોતા, ઉમરાખ, ખરવાસા, ઈશનપોર, વરાડ અને પણદા ગામોમાં રૂ.આઠ કરોડના ખર્ચે તૈયાર થનારા રસ્તાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ અવસરે ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું હતું કે, કોરોના વૈશ્વિક મહામારીમાં પણ ગ્રામ્ય અને શહેરી નાગરિકોની સુખ સુવિધા માટે રાજ્ય સરકારે વિકાસના કામોની ગતિ અટકે નહીં એવું લક્ષ્ય સેવ્યું છે. એક ગામથી બીજા ગામને જોડતા રસ્તાઓના નિર્માણથી ગ્રામ્ય જનતાની યાતાયાતની સુવિધામાં વધારો થવાથી લોકોને તેનો ફાયદો થશે. રોડ રસ્તાઓના કામ શરૂ થયા બાદ યોગ્ય ગુણવત્તાયુકત બને તે અંગેની તકેદારી રાખવા સૌ ગ્રામજનોને હિમાયત કરી હતી.
ઈશ્વર ભાઈએ રૂ.90 લાખના ખર્ચે મોતા ગામથી હલધરું આશ્રમશાળા સુધીનો રસ્તો, રૂ.30 લાખના ખર્ચે મોટા ગામેથી મુક્તેશ્વર મંદિર રોડ, રૂ.૨૦ લાખના ખર્ચે મોટા ગામ બસ સ્ટોપથી બામણા ફળિયા થઈ કોળીવાડ હનુમાનજી મંદિર તરફથી બાર ગાળા રોડ સુધીનો રોડ, રૂ.32 લાખના ખર્ચે ઉમરાખ ગામની વિદ્યાભારતી કોલેજ થઈ બાબેન મોતા ગામને જોડતો રોડ, રૂ.75 લાખના ખર્ચે ખરવાસા ગામના રામપુરાથી નાગેશ્વર મંદિર થઈ બારડોલી મોતા મિરાપુરને જોડતો રોડ, રૂ.15 લાખના ખર્ચે ખરવાસા ગામથી રામદેવપીર મંદિર તરફથી અસ્તાન રોડ સુધીનો રોડ, રૂ.30 લાખના ખર્ચે ઈશનપોર ગામના ખારીયાવગા થઈ ચીખલીને જોડતો રોડ , રૂ.10 લાખના ખર્ચે ઇશનપુર ગામના વીર હનુમાન મંદિર તરફ જતો રસ્તો, રૂ.45 લાખના ખર્ચે વરાડ ગામના પંચાયત ઘર પાસેથી રૂવા ગામને જોડતો રોડ, રૂ.40 લાખના ખર્ચે વરાડ પણદા રોડ તેમજ 70 લાખના ખર્ચે પણદા ગામેથી ધામડોદ ગામ તરફ જતા રસ્તાના ખાતમુહુર્તનો સમાવેશ થાય છે.
ઈસરોલી ખાતે રૂ.52 લાખના ખર્ચે પાટીદાર ફળીયાથી હળપતિવાસ નેશનલ હાઈવે નં.53નો રસ્તો, બારડોલી રામજી મંદિર ખાતે રૂ.40 લાખના ખર્ચે રસ્તો, રાયમ ગામે રૂ.50 લાખ, રૂવા ગામે પટેલ ફળીયા ખાતે રૂ.15 લાખ, ખોજ ગામે રૂ. 95 લાખના ખર્ચે બે રસ્તાઓ, સમથાણ ગામે એપ્રોચ રોડ રૂ.30 લાખ, સિગોદ ગામે રૂ.45 લાખ, ઓરગામ ખાતે રૂ.26 લાખના રસ્તાઓની ખાતમુહૂર્ત વિધિ સંપન્ન કરી હતી.