- તૌકતે વાવાઝોડાની અસર સુરત શહેર-જિલ્લામાં જોવા મળી
- યુદ્ધના ધોરણે કામગીરી કરીને યાતાયાત, દૂરસંચાર અને વીજ સેવાઓ પૂર્વવત કરવામાં આવી
- સુરત સિટીમાં 108 mm વરસાદ
સુરત: દક્ષિણ ગુજરાત વીજ કંપની પાસેથી મળતી વિગતો મુજબ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં 990 જેટલા ગામડાઓમાં વીજ સેવા અસરગ્રસ્ત થઈ હતી. જેમાં ખાસ કરીને દરિયાકિનારાના ગ્રામ્ય વિસ્તારો પ્રભાવિત થયા હતા. જેમાંથી 600થી વધુ ગ્રામ્ય વિસ્તારોમાં વીજપુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે. 700થી વધુ ફીડરો અસરગ્રસ્ત થયા હતા. જે પૈકી 520 ફિડરોને વિવિધ પેટા વિભાગીય કચેરીઓની ટીમો બનાવીને વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યા હતો. જ્યારે 900થી વધુ અસરગ્રસ્ત વીજ થાંભલાઓને સત્વરે રિપેરિંગ કરીને 500 થાંભલાઓ પુનઃસ્થાપિત કરવામાં આવ્યા હતા.
![તૌકતે વાવાઝોડાની અસર સુરત શહેર-જિલ્લામાં જોવા મળી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-sur-update-cyclone-7200931_18052021191314_1805f_1621345394_500.jpg)
પેટાવિભાગીય કચેરી સ્થિત ફોલ્ડ સેન્ટરના નંબરો પણ ઉપલબ્ધ
10 ટ્રાન્સફોર્મરો પણ અસરગ્રસ્ત થયા હતા. વીજ પુરવઠા અંગેની કોઈ પણ ફરિયાદ હોય તો વીજ ગ્રાહકોએ દક્ષિણ ગુજરાત વિજ કંપનીના ટોલ ફ્રી નંબર: 19123 અથવા 18002333003 ઉપર ફરિયાદ કરી શકે છે. આ ઉપરાંત DGVCLની મોબાઈલ એપ પર ફરિયાદ કરી શકે છે. આ ઉપરાંત કંપનીની વેબસાઈટ પર સ્થાનિક સ્તરે પેટાવિભાગીય કચેરી સ્થિત ફોલ્ડ સેન્ટરના નંબરો પણ ઉપલબ્ધ છે. જેનો વીજ વિક્ષેપની ફરિયાદ તથા માહિતી માટે સંપર્ક સાંધી શકાશે. શહેર-જિલ્લામાં આવેલી કોવિડ-19ની હોસ્પિટલો કે સારવાર કેન્દ્રોને વીજ પુરવઠો અવિરત મળતો રહે તે માટે ખાસ તકેદારી લેવામાં આવી છે. સુરત શહેર-જિલ્લાની વાત કરીએ તો, શહેરમાં 47 તથા જિલ્લામાં 138 મળી કુલ 185 થાંભલાઓને નુકશાન થયું છે.
આ પણ વાંચો: ભાવનગરથી જૂઓ ગ્રાઉન્ડ રિપોર્ટ: જિલ્લામાં વાવાઝોડાની તબાહી, પિતા-પુત્રીના મોત; તો વૃક્ષો-થાંભલા ધરાશાઈ
કુલ 462 મિલકતોને નુકસાન
સુરત જિલ્લામાં 6 વાગ્યા સુધીની માહિતી મુજબ તાલુકાઓમાં વાવાઝોડાંથી કાંચા-પાકા મકાનોને નુકસાન થયાની પ્રાથમિક અંદાજની વિગતો સાંપડી હતી. માંગરોળ તાલુકામાં 223 પાકી ખાનગી મિલકતો તથા 73 કાચા મકાનો/ઝુંપડાઓને નુકસાન થયું છે. જ્યારે કામરેજ તાલુકામાં 17 કાચા મકાનો તથા માંકણા ગામે ઝાડ પડવાથી એક માનવ મૃત્યુ નોંધાયું છે. ચોર્યાસીમાં 10, ઓલપાડમાં 39, પલસાણામાં 15 કાચા મકાનો તથા ઝુંપડાઓને નુકસાન થયું છે. આમ, સમગ્ર જિલ્લામાં અંદાજીત 231 પાકી ખાનગી મિલકતો તથા 166 જેટલા કાચા મકાન કે ઝુંપડાઓ, 65 જેટલી સરકારી મિલકતો મળી કુલ 462 મિલકતોને નુકસાન થયું હોવાનો પ્રાથમિક અહેવાલ પ્રાપ્ત થયો છે.
આ પણ વાંચો: માંગરોળ-જૂથળ રસ્તા પર તોતિંગ વૃક્ષ ધરાશાયી, વાહન વ્યવહાર ખોરવાયો
સુરત સિટીમાં 201 વૃક્ષો ધરાશાયી
જ્યારે રસ્તાઓ કે રહેણાંક વિસ્તારોમાં પડેલા ઝાડની વિગતો જોઈએ તો, સુરત સિટીમાં 201, ચોર્યાસી તાલુકામાં 17, ઓલપાડમાં 79, માંગરોળમાં 27, બારડોલી નગરપાલિકાના 20 તથા ગ્રામ્યમાં 18, કામરેજમાં 60 , માંડવી તાલુકામાં 06 મળી અંદાજીત 400થી વધુ વૃક્ષો પડ્યા હતા. વાવાઝોડાના કારણે 65 જેટલા બંધ થયેલા રસ્તાઓ પૈકી 59 રસ્તાઓને માર્ગ-મકાન વિભાગ તથા NDRFની મદદની વિવિધ ટીમો દ્વારા યુદ્ધના ધોરણે ધરાશાયી વૃક્ષોને હટાવીને વાહન વ્યવહાર પૂર્વવત્ કરાયો હતો.
સુરત સિટીમાં 108 mm વરસાદ
જિલ્લામાં પડેલા વરસાદની વિગતો જોઈએ તો, સવારના 6:00થી સાંજના 4:00 વાગ્યા સુધીમાં સૌથી વધુ ઓલપાડ તાલુકામાં 118 mm, સુરત સિટીમાં 108 mm, બારડોલીમાં 82 mm, ચોર્યાસીમાં 13, કામરેજમાં 74, મહુવામાં 57, માંગરોળમાં 38, પલસાણામાં 67 તથા ઉમરપાડા તાલુકામાં 20 mm જેટલો વરસાદ વરસ્યો છે.