- શહેરમાં વહેલી સવારથી જ કળા ડીબાંગ વાદળો વચ્ચે વરસાદી માહોલ જોવા મળ્યો
- વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો
- ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ, 1 વાગ્યા સુધીમાં ઉકાઈ ડેમની સપાટી 342.48 ફૂટ
સુરત: શહેરમાં છેલ્લા 2-3 દિવસથી મેઘ મહેર જોવા મળી રહી છે. શુક્રવારે વહેલી સવારથી જ સુરત શહેરમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સુરતમાં વહેલી સવારે કાળાડીબાંગ વાદળો સાથે વરસાદ વરસ્યો હતો. જેને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વહેલી સવારથી વરસી રહેલા વરસાદના કારણે સુરતના કેટલાક નીચાંણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા હતા. બીજી તરફ કાળા ડીબાંગ વાદળો સાથે વરસાદ વરસતા લોકોમાં પણ ખુશી લ્હેર જોવા મળી હતી. વરસાદને કારણે ગૃહિણી અને લોકોને છત્રી અને રેઇન કોર્ટ પહેરીને બહાર નીકળવું પડ્યું હતું. તો બીજી તરફ પ્રવાસીઓને હાલાકી પડી હતી. સમગ્ર સુરતમાં 12 વાગ્યા સુધીમાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસી ચુક્યો હતો.
ઉકાઈ ડેમમાંથી 17 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે
સુરતમાં સવાર 6થી 4 સુધીમાં વરસાદના આંકડા પર નજર કરીએ તો સેન્ટ્રલ ઝોનમાં 45, વરાછા A માં 15, વરાછા B માં 15, રાંદેર ઝોનમાં 60, કતારગામ ઝોનમાં 24, ઉધના ઝોનમાં 36, લીંબાયત ઝોનમાં 21, અઠવા ઝોનમાં 45 mm વરસાદ નોંધાયો છે. ઉકાઈ ડેમના ઉપરવાસ અને કેચમેન્ટ એરિયામાં વરસાદને લઈને ઉકાઈ ડેમની સપાટીમાં પણ વધારો થયો છે. ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. 1 વાગ્યા સુધીમાં ઉકાઈ ડેમની સપાટી 342.48 ફૂટ પહોચી ગયી છે. બીજી તરફ ડેમમાં 34 હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી. તો બીજી તરફ ડેમમાંથી 17 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
સુરતની તાપી નદીમાં નવા નીર આવતા બન્ને કાંઠે વહી
સુરત શહેરમાં આવેલો અને કતારગામ અને રાંદેર વિસ્તારને જોડતો વિયરકમ કોઝવે 6 મીટરને પાર કરી 6.96 મીટર પર વહી રહ્યો છે. કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે. જે હાલમાં ભયજનક સપાટીને પાર કરી ગયો છે. કોઝવે ઓવરફ્લો થતા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કોઝવે ખાતે હિલ સ્ટેશન જેવો માહોલ પણ જોવા મળી રહ્યો છે અને સુરતની તાપી નદીમાં નવા નીર આવતા બન્ને કાઠે વહી રહી છે. સુરત સહીત દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેતા ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી હતી.