- સુરત શહેરમાં વહેલી સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ
- સવારે 6 થી 8 સુધીના સમયમાં જ બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો
- વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં
સુરત: શહેરમાં આજે (સોમવાર) વહેલી સવારથી જ ફરી મેઘરાજાની ગાજવીજ સાથે સવારી આવી પહોંચી હતી. સવારે 6 થી 8 સુધીના સમયમાં જ બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેથી ઉકળાટ અને બફારાથી ત્રસ્ત થયેલા સુરતીઓએ થોડી રાહત અનુભવી હતી. સમગ્ર સુરત શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં.
કેટલીક સોસાયટીઓમાં પાણી ભરાયા હોવાની ફરિયાદો
ઉધના, લિંબાયત, પાંડેસરા, અઠવાલાઇન, પાલનપુર પાટિયા વિસ્તાર સહિત સમગ્ર શહેરમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો માત્ર બે કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ ખાબકતા ચારે તરફ પાણી પાણી થઇ ગયું હતું. પાલનપુર વિસ્તારની કેટલીક સોસાયટીઓમાં પાણી ભરાયા હોવાની ફરિયાદો ઉઠી હતી. રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા. વાહન ચાલકોને પણ ભારે હાલાકી ભોગવવી પડી હતી.
આ પણ વાંચો : આજે રાઉજ એવન્યુ કોર્ટ INX મીડિયા ડીલ બાબતે સુનવણી
સુરત શહેરમાં વરસાદ ઓછો નોંધાયો છે
ઉધના વિસ્તારમાં રોડ નંબર નવ અને છ તરફ તેમજ નવસારી તરફ જવાના રસ્તા ઉપર બે ફૂટ જેટલા પાણી ભરાઈ ગયાં હતાં. ધોધમાર વરસાદને કારણે જનજીવન પર તેની સ્પષ્ટ અસર દેખાઇ હતી. વહેલી સવારે કામકાજ અર્થે નીકળતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ગત વર્ષની સરખામણીએ આ વખતે સુરત શહેરમાં વરસાદ ઓછો નોંધાયો છે. હજી પણ વાદળછાયું વાતાવરણ જોતા શહેરમાં દિવસ દરમિયાન વરસાદ આપી શકે છે. વરસાદ બંધ થતાં એકાદ કલાક જેટલા સમય બાદ રસ્તાઓ પરથી પાણી નીકળી ગયાં હતાં.
આ પણ વાંચો : 27 સપ્ટેમ્બરના રોજ ભારતબંધ: કિસાન મહાપંચાયતે ખેતીના કાયદા પર આંદોલન આક્રમક બનવાનો નિર્ણય કર્યો