- NGO દ્વારા હ્રદયદાન કરાવવાની ચોત્રીસમી ઘટના બની
- ONGCમાં સિક્યુરીટી ગાર્ડે મોત બાદ ચાર વ્યક્તિઓને નવજીવન આપ્યું
- સુરતથી અમદાવાદનું 285 કિ.મીનું અંતર 80 મીનીટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ
સુરત : 35 વર્ષીય શૈલેશ હરિહર સિંઘ હજીરા ONGCમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતો. શૈલેષ મૂળ રહેવાસી હુસૈનાબાદ, ઝારખંડનો હતો. હજીરા ONGCમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતો શૈલેશ સિંઘ તા. 9 જુલાઈના રોજ બપોરે નોકરી પૂરી કરી પોતાની મોટરસાયકલ પર ઘરે પરત ફરી રહ્યો હતો. ત્યારે અલથાણ ચોકડી પાસે કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા તે મોટરસાયકલ પરથી નીચે પડી જતા માથામાં ગંભીર ઈજાઓ થવાથી બેહોશ થઇ ગયો હતો. રસ્તા પર પસાર થતા કોઈ રાહદારીએ તુરંત 108 એમ્બ્યુલન્સને ફોન કરી નવી સિવિલ હોસ્પીટલમાં દાખલ કર્યો હતો.
15 જુલાઈએ ડોક્ટર્સે છોડી હતી આશા
નવી સિવિલ હોસ્પીટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે પરિવારજનોએ તેને સુરતની એક ખાનગી હોસ્પીટલમાં સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરુ કરવામાં આવી. નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ થયું હોવાનું નિદાન થયું હતું. 15મી જુલાઈના રોજ ડોક્ટરોની ટીમે શૈલેશ સિંઘને બ્રેઈનડેડ જાહેર કર્યો હતો.
આ પણ વાંચો: સુરતથી મુંબઈનું 300 kmનું અંતર 92 મીનીટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ કરાયું
પરિવારજનોએ અંગદાનની ઈચ્છા વ્યક્ત કરી
ડોક્ટરો દ્વારા ઓર્ગન અને ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટેશનની રાજ્ય સલાહકાર સમિતિના સભ્ય અને ડોનેટ લાઈફના સ્થાપક-પ્રમુખ નિલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી શૈલેશ સિંઘના બ્રેઇનડેડ અંગેની અને પરિવારજનોએ અંગદાનની ઈચ્છા વ્યક્ત કરી છે તેની જાણકારી આપી. NGOની ટીમે હોસ્પિટલ પહોંચી શૈલેશ સિંઘના પરિવારજનોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી. શૈલેશ સિંઘની પત્ની સીમા અને ભાઈઓએ જણાવ્યું કે, અમારું સ્વજન તો બ્રેઈનડેડ છે અને તેમનું મૃત્યુ નિશ્ચિત જ છે શરીર તો બળીને રાખ જ થઇ જવાનું છે, ત્યારે તેમના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન મળતું હોય તો અંગદાન માટે આપ આગળ વધો. SOTTO દ્વારા હૃદય અમદાવાદની ખાનગી હોસ્પિટલને, કિડની અને લિવર અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC)ને ફાળવવામાં આવ્યા.
હૃદયનું પમ્પીંગ 5 ટકાથી 10 ટકા જેટલું થઇ ગયું
સુરતની એક ખાનગી હોસ્પિટલથી અમદાવાદનું 285 કિ.મીનું અંતર 80 મીનીટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની એક ખાનગી હોસ્પીટલમાં જામખંભાળિયાના રહેવાસી 22 વર્ષીય યુવકમાં કરવામાં આવ્યું છે. આ યુવક છેલ્લા બે વર્ષથી હૃદયની બીમારીથી પીડાતો હતો અને છેલ્લા ત્રણ મહિનાથી તેના હૃદયનું પમ્પીંગ 5 ટકાથી 10 ટકા જેટલું થઇ ગયું હતું.
બે કિડની અને લિવરનું પણ ટ્રાન્સપ્લાન્ટ
સુરતની ખાનગી હોસ્પિટલથી અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC) હોસ્પિટલ સુધીનું 271 કિ.મિ રોડ માર્ગનું અંતર 240 મીનીટમાં કાપીને દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ રાજકોટના રહેવાસી 41 વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની IKDRC હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે જયારે દાનમાં મેળવવામાં આવેલી બે કિડનીઓમાંથી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC)માં અને બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની ખાનગી હોસ્પીટલમાં જરૂરિયાતમંદ દર્દીઓમાં કરવામાં આવી રહ્યું છે.
22 હૃદય મુંબઈ, 6 હૃદય અમદાવાદ, 4 હૃદય ચેન્નાઈ, 1 હૃદય ઇન્દોર અને 1 હૃદય નવી દિલ્હીમાં કરાયું ટ્રાન્સપ્લાન્ટ
ગુજરાતમાંથી હૃદયદાનની આ 44મી ઘટના છે. જેમાં સુરતમાંથી NGO દ્વારા હૃદય દાન કરાવવાની આ ચોત્રીસમી ધટના છે, જેમાંથી 22 હૃદય મુંબઈ, 6 હૃદય અમદાવાદ, 4 હૃદય ચેન્નાઈ, 1 હૃદય ઇન્દોર અને 1 હૃદય નવી દિલ્હી ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. હ્રદય, કિડની અને લિવર સમયસર અમદાવાદ પહોંચાડવા માટે બે ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા હતા. જેમાં સુરત શહેર પોલીસ તેમજ રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડ્યો હતો.
દેશના વિવિધ રાજ્યોના કુલ 30 ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન આપવામાં સફળતા
ઉલ્લેખનીય છે કે, કોવીડ 19ની મહામારીની બીજી લહેર પછી આખા દેશમાં અંગદાનનું પ્રમાણ ખુબ જ ઓછું છે. ત્યારે NGO દ્વારા છેલ્લા દોઢ મહિનામાં બ્રેઈનડેડ વ્યક્તિઓના પરિવારજનો સાથે સમજણ કેળવી 3 હૃદય, 2 ફેફસાં, 12 કિડની, 6 લિવર અને 8 ચક્ષુઓ સહીત કુલ 31 અંગો અને ટીસ્યુઓના દાન મેળવી દેશના વિવિધ રાજ્યોના કુલ 30 ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન આપવામાં સફળતા મળી છે. સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી NGO દ્વારા 394 કિડની, 163 લિવર, 8 પેન્ક્રીઆસ, 34 હૃદય, 14 ફેફસાં અને 294 ચક્ષુઓ કુલ 904 અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને 833 વ્યક્તિઓને નવું જીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.