સુરત: સુરત અને તાપી જિલ્લાથી બનેલી મહુવા વિધાનસભા(Gujarat Assembly Election 2017 ) શરૂઆતથી અનુસુચિત જનજાતિ માટે અનામત છે. સુરત જિલ્લાના મહુવા તાલુકાના તમામ ગામો, બારડોલી તાલુકાના પૂર્વ તરફના 29 ગામો અને તાપી જિલ્લાના વાલોડ તાલુકાના તમામ ગામોના આ વિધાનસભા વિસ્તારમાં સમાવેશ થાય છે. છેલ્લી બે ટર્મથી અહીં ભાજપનું પ્રભુત્વ રહ્યું છે. 2012 અને 2017 આમ બંને ટર્મમાં ભારતીય જનતા પાર્ટીના મોહન ઢોડિયા જીતતા આવ્યા છે. ઢોડિયા સમાજનું આ બેઠક(assembly seat of Mahuva) પર પ્રભુત્વ રહ્યું હતું. પરંતુ નવા સીમાંકન બાદ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ગામો આ વિધાનસભામાંથી નીકળી જતાં બારડોલીની પૂર્વ પટ્ટીના ગામો જોડાતા ચૌધરી મતદારોનું પ્રભુત્વ વધ્યું છે. જો કે તેમ છતાં પરંપરા મુજબ આ બેઠક પર ઢોડિયા ઉમેદવારો વચ્ચે જ ચૂંટણી જંગ ખેલાતા હોય છે. તેને કારણે ઢોડિયા મતોનું વિભાજન થવાથી ચૌધરી અને હળપતિના મતો મહત્વના સાબિત થાય છે.
આ પણ વાંચો: ADR Survey : આપણાં ધારાસભ્યોએ પાંચ વર્ષમાં શું કામગીરી કરી ? જુઓ આ રિપોર્ટમાં
મહુવા બેઠકની ડેમોગ્રાફી (2012 અને 2017) - મહુવા વિધાનસભા(Mahuva Assembly seat)નો વિસ્તાર સંપૂર્ણ આદિવાસી વિસ્તાર છે. વિસ્તારમાંથી દક્ષિણ ગુજરાતની મોટી નદીઓ પૈકી તાપી, અંબિકા, પુર્ણા, વાલ્મીકિ, ઓલણ પસાર થાય છે. વિસ્તાર ખેતીની દ્રષ્ટિએ સમૃદ્ધ માનવામાં આવે છે. અહીં શેરડી ઉપરાંત ડાંગર, શાકભાજીની ખેતીને ખાસ મહત્વ આપવામાં આવે છે. ઐતિહાસિક રીતે જોઈએ તો વિસ્તારના વાલોડ તાલુકાના વેડછી ખાતે આવેલો સ્વરાજ આશ્રમ તેની પ્રવૃત્તિને કારણે સમગ્ર દેશભરમાં પ્રખ્યાત છે. આશ્રમની સ્થાપના જુગતરામ દવેએ કરી હતી. જુગતરામ દવેને વેડછીના વડલા તરીકે ઓળખવામાં આવે છે. સ્વ. નારાયણ દેસાઈએ જીવનની અંતિમ પળ સુધી આશ્રમનું સંચાલન કરતા રહ્યા. આ આશ્રમ તાપી જિલ્લાના અનેક આદિવાસી યુવાનોની કારકિર્દી માટે મહત્વપૂર્ણ સાબિત થયો છે. અનેક આદિવાસી યુવકો આ આશ્રમમાં અભ્યાસ કરી ઉચ્ચ પદ પર બિરાજમાન છે. અહીંયાના લિજ્જત પાપડ વિશ્વભરમાં પ્રખ્યાત છે.
પાપડ બનાવવાનો ગૃહઉદ્યોગે વિસ્તારના પરિવારોનું જીવન ધોરણ સુધાર્યું - મહુવા વિધાનસભા વિસ્તારના બુહારી અને વાલોડ વિસ્તારમાં લિજ્જત પાપડનો ગૃહ ઉદ્યોગ પુરજોશમાં ચાલે છે. મહિલાઓ પાપડ વણીને નિશ્ચિત કેન્દ્રો પર તે આપી કમાણી કરે છે. લિજ્જત ઉપરાંત અન્ય NGO પણ આ ઉદ્યોગ સાથે જોડાયેલા છે. વિસ્તારના હજારો પરિવારો પાપડ ઉદ્યોગ પર નભી રહ્યા છે. અહીં બનેલા પાપડો દેશ ઉપરાંત પરદેશમાં પણ નિકાસ થાય છે. આ ઉદ્યોગથી મહિલાઓ પગભર બની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલાઓની સહકારી સંસ્થા તરીકે લિજ્જત પાપડનું ઉદાહરણ પોતાના સંબોધન દરમિયાન અનેક વખતે આપી ચુક્યા છે.
મતદારોની સંખ્યા- 2017 પ્રમાણેના કુલ મતદારો 2,28,428 સામે આવ્યા હતા. જેમાં, 1,11,722 પુરુષ મતદારો અને 1,16,706 સ્ત્રી મતદારો નોંધાયા હતા.
અત્યારસુધીની ચૂંટણીઓના પરિણામ: આ બેઠક અસ્તિત્વમાં આવી ત્યારથી અત્યાર સુધીમાં બે વિધાનસભાની ચૂંટણીઓ યોજાઇ છે. જેમાં કોંગ્રેસના ઉમેદવાર ડો. તુષાર ચૌધરી 2017માં જેમનો ભાજપના મોહન ઢોડિયા સામે 76,174 વોટથી કારમો પરાજય થયો હતો. એટલે કે જ્યારથી આ બેઠક બની છે, તે ભાજપના કબ્જામાં છે. આ ઉપરાંત, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ આ વિસ્તારમાં પલડુ ભાજપના પક્ષે જ ભારે રહ્યું છે. વર્ષ 2012માં નવા સીમાંકનબને આધારે લડાયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ આ બેઠક કોંગ્રેસ પાસેથી આંચકી લીધા બાદ સતત બે ટર્મથી ભાજપે જાળવી રાખી છે. 2012માં ભાજપના મોહન ઢોડિયાને 74,161 (47.67 ટકા) જ્યારે કોંગ્રેસના ઈશ્વર વહિયાને 62,474 (40.16 ટકા) મતો મળ્યા હતા. મોહનએ 11,687 મતોથી ઈશ્વર વહિયાને માત આપી હતી. 2017ની(Gujarat Assembly Election 2017 ) વાત કરવામાં આવે તો ભાજપે તેમના ચાલુ ધારાસભ્ય મોહન ઢોડિયાને(Mohan Dhodia Seat ) જ ફરી ટિકિટ આપી હતી. જ્યારે કોંગ્રેસે પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને બારડોલીના માજી સાંસદ ડૉ. તુષાર ચૌધરી પાસે ઉમેદવારી કરાવી હતી. દિગ્ગજ ઉમેદવાર હોવા છતાં કોંગ્રેસે 6,433 મતોથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ ચૂંટણીમાં મોહન ઢોડિયાને 82,607 મતો જ્યારે કોંગ્રેસના ડૉ. તુષાર ચૌધરીને(Tushar Chaudhary Seat) 76,174 મતો મળ્યા હતા. 2012મી સરખામણીએ કોંગેસની મતની ટકાવારીમાં 6.01 ટકાનો વધારો જોવા મળ્યો હતો.
વિસ્તારની મુખ્ય સમસ્યાઓ - વિધાનસભામાં અમુક છેવાડાના ગામોને બાદ કરતાં મોટા ભાગના ગામો પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ બની છે. અહીં ઔદ્યોગિક વિસ્તાર ન હોવાથી બેરોજગારીની સમસ્યા મુખ્ય છે. બારડોલી તાલુકામાં મઢી સુરાલી ગામોમાં ગત વિધાનસભાની ચૂંટણી સમયે ખાતમુહૂર્ત થયેલા રેલવે ઓવરબ્રિજ હજી સુધી બની શક્યો નથી. ઓવરબ્રિજ માટે અનેક દુકાનો અને દબાણો દૂર કરવામાં આવતા લોકોની રોજી રોટી છીનવાઈ હતી. તેમ છતાં આ બ્રિજ બની શક્યો નથી.
શિક્ષિત બેરોજગારીનું પ્રમાણ વધુ - વિધાનસભા મત વિસ્તારમાં સૌથી મહત્વની સમસ્યા હોય તો તે શિક્ષિત બેરોજગારી હોવાનું સ્થાનિકો જણાવે છે. વિસ્તારમાં ભણતરનું પ્રમાણ ખાસ્સું ઊંચું રહ્યું છે. પરંતુ નોકરી ન મળવાથી અનેક યુવાનો બેરોજગાર જોવા મળી રહ્યા છે. રોજગારી ન હોવાથી યુવાઓ પશુપાલન અને ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે. ખાસ કરીને જિલ્લાની સુમુલ ડેરીને કારણે મહુવા વિસધાનસભા વિસ્તારમાં પશુપાલનનો વ્યવસાય ફૂલ્યોફાલ્યો છે. મહિલાઓ આ વ્યવસાય સાથે મોટી સંખ્યામાં જોડાયેલી છે.
આ પણ વાંચો: કેન્દ્રિય પ્રધાને પ્રવાસીઓ માટે કરી નવી જાહેરાત, ચૂંટણી એજન્ડા કે પછી ખરેખર લોકોને મળશે સુવિધા...
બેઠકની ખાસિયત - મહુવા બેઠક રાજકારણની દ્રષ્ટ્રિએ ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે. અને મહુવાના મતદારો પણ ચૂંટણીમાં હોંશેહોંશે ભાગ લે છે. મહુવા વિધાનસભા મત વિસ્તારે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ માનસિંહ પટેલ આપ્યા છે. પશુ પાલન અને દુધ ઉત્પાદન કરતો વિસ્તાર છે. તેમજ કોપર સુગર ફેકટરી આવેલી છે. વિધાનસભા વિસ્તાર પૂર્ણા અને અંબિકા નદીના કિનારે આવેલો હોવાથી ખેતીથી સમૃદ્ધ માનવામાં આવે છે. આ વિસ્તારમાં મહુવા અને કોપર એમ બે સહકારી ક્ષેત્રની ખાંડ મીલ આવેલી છે. જો કે સરકારની આવક ડબલ કરવાની વાત શેરડીના ભાવો બાબતે પોકળ સાબિત થઈ રહી હોય એવું લાગી રહ્યું છે. ખેડૂતોને મોંઘવારીના પ્રમાણમાં શેરડીના ટન દીઠ ભાવો ન મળતા હોવાથી ખેડૂતોમાં થોડા અંશે નારાજગી જોવા મળી રહી છે. આ ઉપરાંત સિંચાઇ માટે વીજળી વારંવાર કાપથી પણ ખેડૂતો પરેશાન છે. આ ઉપરાંત વિસ્તારમાં શાકભાજી અને ડાંગરનો પાક પણ મહત્વનો છે. મહુવા વિધાનસભાના કેટલાક ગામો આજે પણ પ્રાથમિક સુવિધાઓ જેવી કે, રસ્તા અને આરોગ્યની સુવિધા વંચિત(Deprived of health facilities) જોવા મળી રહ્યા છે. જો કે હાલમાં જ સરકાર દ્વારા ચોમાસામાં સંપર્ક વિહોણા થઈ જતાં ગામોને જોડવા માટે નદીઓ પર પુલ બાંધવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. તેને કારણે ગામો મુખ્ય ધારા સાથે સંપર્કમાં જોડાઈ શકશે. બીજી તરફ વિસ્તારના અંતરિયાળ ગામોમાં રહેતા લોકોને આરોગ્ય સંબંધિત સુવિધાનો અભાવ હોય બારડોલી, નવસારી, વ્યારા કે સુરત જેવા શહેરો પર આધાર રાખવો પડે છે.
ચૌધરી સમાજ વધુ મહત્વપૂર્ણ સાબિત થશે - મહુવા વિધાનસભા વિસ્તાર આદિવાસી બહુમતી ધરાવતો વિસ્તાર છે. તાપી જિલ્લામાં વાલોડ, બારડોલીના કેટલાક ગામો અને મહુવા તાલુકો સંપૂર્ણ આદિવાસી વિસ્તાર હોય આદિવાસી મતદારો મહત્વ વધુ રહેલું છે. બે ટર્મથી ભાજપના ઉમેદવારો વિજેતા થતા આવ્યા છે. નવા સીમાંકન બાદ ચીખલી તાલુકાના ગામો નીકળી જતાં ઢોડિયા સમાજનું પ્રભુત્વ ઓછું થયું છે. જ્યારે બારડોલી અને વાલોડ તાલુકામાં ચૌધરી સમાજની વસ્તી વધુ હોય ચૌધરી સમાજ આ બેઠક માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યો છે. હવે 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કેવા સમીકરણ ગોઠવાશે, તે તો ભાજપ અને કોંગ્રેસ કયા અને કઈ જ્ઞાતિના ઉમેદવારને ટિકિટ આપે છે, તેના પર બધો દારોમદાર રહેશે.