સુરત: સુરતના નાટ્ય કલાકારોએ ગ્રીષ્મા હત્યાકાંડ (Grishma Murder Case Surat)નો સંદર્ભ લઈને 'સ્ટોપ' નામનું એક નાટક (Stop Drama Surat) બનાવ્યું છે. જે વિશ્વ રંગમંચ દિવસ (World Theatre Day)ના ઉપલક્ષ્યમાં રજૂ કરવામાં આવશે. ગ્રીષ્મા હત્યાકાંડે સૌને હચમચાવી દીધાં હતાં, જયારે આ ઘટના બની ત્યારે ઘણા મહિલા સલામતી (Women Safety In Surat)ને લઇને અનેક પ્રશ્નો સમાજમાં ઉભા થયા હતાં. આ પ્રશ્નોને એક અલગ જ અંદાજમાં રજૂ કરવા માટે સુરતના નાટ્ય કલાકારોએ ગ્રીષ્મા હત્યાકાંડનો સંદર્ભ લઈને 'સ્ટોપ' નામનું નાટક બનાવ્યું છે.
ગ્રીષ્મા હત્યા કેસની કોર્ટ ટ્રાયલ ચાલી રહી છે- આગામી 25થી 27 માર્ચના રોજ વિશ્વ રંગમંચ દિવસ પર સુરતમાં યોજાનાર રંગહોત્રમાં 'સ્ટોપ' નાટક થકી નાટકના દિગ્દર્શક અને કલાકારોએ લોકોના મન સુધી પહોંચવાનો પ્રયત્ન જરૂર કર્યો છે. હાલમાં ગ્રીષ્મા હત્યા કેસ (Pasodara Murder Case)ની કોર્ટ ટ્રાયલ ચાલી રહી છે અને આરોપી ફેનિલ પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે ગ્રીષ્મા સાથે જોડાયેલી સંવેદનાને રજૂ કરતુ આ નાટક સુરતના નાટ્યકારો (Drama Actors Surat) દ્વારા ભજવવામાં આવશે.
સમાજમાં અનેક ગ્રીષ્માઓ અને અનેક ફેનિલ- સુરતના દિગ્દર્શક પરેશભાઈ વોરાએ કહ્યું કે, ગ્રીષ્મા હત્યાકાંડનો વિડીયો જોયા બાદ મારા મગજમાં વિચાર આવ્યો કે, શા માટે આ ઘટના બની? મેં મુંબઈ રહેતા મારા મિત્રને વાત કરી અને પછી વિચાર આવ્યો કે, કદાચ ઘણી ગ્રીષ્માઓ સમાજમાં છે અને કેટલાય ફેનિલ હજુ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. તો આવા સમયે સમાજને જાગૃત કરવા અને ઘટના પરથી બોધપાઠ લેવા શા માટે એક નાટક થકી લોકોના મન સુધી ન પહોંચી શકાય? બસ આ વિચાર આવ્યો અને મેં લોકોને આ નાટક થકી પ્રશ્ન પૂછીને જાગૃત કરવાનું નક્કી કર્યું અને સર્જન થયું સ્ટોપ નાટક.
મનાલી કંથારીયા અને પ્રણવ વેદ્યએ આ પાત્ર ભજવવાનું નક્કી કર્યું- તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, નાટકનો વિચાર આવ્યો અને નાટક લખાઈ પણ ગયું, પરંતુ તેને ભજવવા અને લોકો સુધી પહોંચાડવા માટે કલાકારોની જરૂર પડતી હોય છે. નાટકમાં ફેનિલ અને ગ્રીષ્માનું મુખ્ય પાત્ર ભજવનારા કલાકાર અંગે પણ દિગ્દર્શક અસમંજસમાં હતાં. પરંતુ સુરતના કલાકારો મનાલી કંથારીયા અને પ્રણવ વેદ્યએ આ પાત્ર ભજવવાનું નક્કી કર્યું. કલાકાર એ જ હોય છે જે પાત્ર ભજવી જાણે તે પછી સારું હોય કે ખરાબ. આ નાટકમાં ફેનિલનું પાત્ર એક રીતે નેગેટિવ જ કહી શકાય, પરંતુ એક કલાકાર તરીકે તેને ભજવવું તો પડે જ. આજે એ બંને કલાકરો ગર્વ અનુભવી રહ્યા હતા કે, સમાજમાં એક સારો મેસેજ એક સારી વાત લોકો સુધી પહોંચાડવાનું તેઓ માધ્યમ બની રહ્યા છે.