- કોરોનાને કારણે ગત વર્ષે જન્માષ્ટમીના પર્વની ઉજવણી ફિક્કી રહી હતી
- ગોવિંદા મંડળો પરમિશનને લઈને અસમંજસમાં
- અનેક ગોવિંદા મંડળોએ પ્રેક્ટીસ પણ બંધ કરી દીધી
સુરત: જન્માષ્ટમીના પર્વને લઇને દર વર્ષે સુરતમાં 128 થી વધુ ગોવિંદા મંડળો દ્વારા ઠેર ઠેર 7 હજારથી વધુ મટકી ફોડવામાં આવતી હોય છે. જોકે ગત વર્ષની જેમ આ વર્ષે પણ આ વર્ષે પણ અનેક આયોજનો રદ્દ કરવામાં આવ્યા છે. આ વર્ષે મટકીફોડની પરવાનગી આપવામાં આવી છે પરંતુ શરતોને આધીન હોવાથી મોટાભાગના ગોવિંદા મંડળોએ ઉજવણીઓ રદ કરવાનો નિર્ણય લીધો છે. જેની પાછળનું એક કારણ કોરોના ગાઈડલાઈન છે તો બીજી તરફ વેક્સિનના બે ફરજિયાત ડોઝ હોવાનું પણ જાણવા મળ્યું છે. તો કેટલાક મંડળો પરમિશનને લઈને અસમંજસમાં છે. તેને લઈને અનેક મંડળોએ પ્રેક્ટીસ પણ બંધ કરી દીધી છે. જોકે મોટાભાગના મંડળોએ સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું છે.
કોરોનાની ગાઇડલાઇનનો પણ ભંગ થવાની શક્યતાઓ
છેલ્લા 53 વર્ષથી ઉત્સવની ઉજવણી કરતા ગોવિંદા મંડળના મહેશ કાલગુડેએ જણાવ્યું હતું કે, ગોવિંદા ઉત્સવ સમિતિમાં શેરીમાં ઉજવણી કરવાનો નિર્ણય લેવાયો હતો. સ્વાસ્થ્ય સારું રહેશે તો આગળ ઉત્સવ ઉજવતા રહીશું. ઉજવણીમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાશે નહીં અને લોકો એકબીજાને સ્પર્શ કરીને જ હાંડી ફોડશે. જેથી કોરોનાની ગાઇડલાઇનનો પણ ભંગ થવાની શક્યતાઓ છે. જેને પગલે અમે આયોજન ન કરવાનો નિર્ણય લીધો છે. સ્વાસ્થ્યથી સર્વોપરી કશું જ નથી. જેથી મોટું આયોજન ન કરીને માત્ર શુકનની એક જ મટકી ફોડીશું.
આ પણ વાંચો: બોટાદમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી, જુઓ વીડિયો..
ત્રણથી ચાર કલાકમાં જ કાર્યક્રમને પૂરો કરીશું
ગોવિંદા મંડળના કૌશિકભાઈએ જણાયું હતું કે, ગાઈડલાઈન અનુસાર 50 વ્યક્તિઓની પરવાનગી આપવામાં આવી છે અને ત્રણથી ચાર કલાકમાં જ કાર્યક્રમને પૂરો કરીશું. નક્કી કરાયા અનુસાર માત્ર બાધાની જ મટકીઓ ફોડીશું.