- સુરતની સરકારી શાળાઓએ શરૂ કર્યું શેરી શિક્ષણ
- શિક્ષકો વિદ્યાર્થીઓના વિસ્તારમાં જઈને ભણાવે છે
- દર 15 દિવસે વિદ્યાર્થીઓની લેવામાં આવે છે પરીક્ષા
સુરત: રાજ્યમાં હાલ ધોરણ-6 થી 12ના વિદ્યાર્થીઓને ઓફલાઈન વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. સુરત શહેરના કેટલાક શિક્ષકો દ્વારા જે વિદ્યાર્થીઓ પાસે સ્માર્ટફોન તથા સાદા ફોન લેવા ની પણ વ્યવસ્થા નથી તેવા વિદ્યાર્થીઓના ઘરે જઈ પંદર-પંદરના ગ્રુપમાં શિક્ષણ આપવામાં આવી રહ્યુ છે. હાલા શિક્ષકો ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓને મફત શિક્ષણ આપી રહ્યા છે. જોકે આ શિક્ષકો દ્વારા ખુબ જ સરસ રીતે ધોરણ 1 થી 2ના વિદ્યાર્થીઓને ઈતર પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવે છે અને આ વિદ્યાર્થીઓના દર પંદર દિવસે પરીક્ષા પણ લેવામાં આવે છે. વિદ્યાર્થીઓ પણ યાદ રાખી રાખશે કે અમને અમારા ઘરે શિક્ષકો અમને શિક્ષણ આપવા માટે આવતા હતા. જ્યારે પણ 5 સપ્ટેમ્બર આવશે ત્યારે આ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં આ શિક્ષકોને યાદ કરશે.
શેરી શિક્ષણની શરૂઆત કરવામાં આવી
નલીનભાઇ રાઠોડ જણાવે છે કે, " અમારી સ્કૂલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત શ્રી ગુંસાઈજી પ્રાથમિક શાળા મોટા વરાછામાં આવેલી છે. સંપૂર્ણ રીતે સરકારી શાળા છે. જ્યારથી કોરોનાની પરિસ્થિતિ શરૂ થઈ ત્યારથી બાળકો માટે એક નવી મુશ્કેલી ભણતરને લઈને ઉભી થઈ હતી. એ દરમિયાન સરકારના માર્ગદર્શન હેઠળ અને ઉપરી કચેરીઓના માર્ગદર્શન હેઠળ અમારી શાળાના બાળક સુધી શિક્ષક કોઈપણ માધ્યમથી પહોંચી શકે એ માટે અમે શિક્ષણની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. ઓનલાઈન ક્લાસમાં વિદ્યાર્થીઓ જોડાતા નહોતા કારણ કે મોટા ભાગના બાળકો ગરીબ ઘરમાંથી આવતા હતા તો એવા બાળકો સુધી શિક્ષણને પહોંચાડી શકીએ તે એટલા માટે શિક્ષકોનું જૂથ,ગ્રુપ બનાવીને અને એક પ્રકારનું સામાન્ય બેજીક સર્વે કરવામાં આવ્યો હતો. બાળકોનું વિસ્તાર પ્રમાણે જૂથ બનાવી શિક્ષકને અલગ-અલગ વિસ્તાર સોંપવામાં આવ્યો,જેને અમે શેરી શિક્ષણ તરીકે ઓળખીએ છીએ. કોરોના જે નિયમો છે, તેનું પાલન કરીને શક્ય તેટલું બાળકોને રૂબરૂ શિક્ષણ આપીએ છે".
આ પણ વાંચો : Petrol Diesel Price: પેટ્રોલ-ડિઝલના ભાવમાં રાહત, જાણો ક્યા શહેરમાં કેટલા ભાવ
અમે 15-15 દિવસે પરીક્ષા પણ લઈએ છીએ
રમીલાબેન પટેલ જણાવે છે કે," હું છેલ્લા 31 વર્ષથી વિદ્યાર્થીઓને ભણાવી રહી છું. અને હાલ જ્યારથી કોરોના મહામારી ચાલુ થઈ તે સંદર્ભે બાળકોના વાલીઓ પાસે સ્માર્ટફોન કે સાદો ફોન પણ નથી એટલે અમે શેરીએ-શેરીએ જઈ સર્વે બાળકોને શિક્ષણ આપીએ છીએ. 15-15ના ગ્રુપમાં બાળકોને બેસાડીને શેરી અભ્યાસ કરાવીએ છીએ. અમે પ્રવૃત્તિઓ દ્વારા પણ શિક્ષણ આપીએ છીએ વાલીઓનો પ્રતિસાદ પણ અમને સારો મળી રહે છે. બાળકો પણ ખૂબ જ ઉત્સાહથી અમને સ્વીકારીને ભણે છે અને આનંદ કરે છે.અમે જઈએ એટલે વિદ્યાર્થીઓ તરત જ આવી જાય છે.અને અમારી સાથે સરસ રીતે ભણે છે. જેટલું કરાવીએ છીએ તેટલું આનંદથી કરે પણ છે.અમે હોમ વર્ક આપીએ છીએ તે પણ અમને કરીને બતાવે છે. અમે પંદર પંદર દિવસે બાળકોની પરીક્ષા પણ લઈએ છે".
આ પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદી બન્યા નંબર વન નેતા, જૂઓ અપ્રૂવલ રેટિંગ લીસ્ટ