સુરતમાં સિદ્ધાર્થનગર ખાતે રહેતા 85 વર્ષીય ગોપાળ બલરે જીવતા જગતિયું એટલે જીવંત શ્રાદ્ધ કરી પોતાનું દેહદાન અને નેત્રદાન કરી સમાજને એક નવી રાહ ચીંધી છે. ગોપાળ ભાઈના આ નિર્ણય બાદ પરિવારે ગોપાળ ભાઈની ઇચ્છા મુજબ જીવતા શ્રાદ્ધ પ્રસંગને ઉત્સવની જેમ ઉજવ્યો હતો. આ અગાઉ બલર પરિવારમાંથી છ વર્ષ પહેલા 3 સભ્યોએ જીવતા જગતીયું કરી દેહદાન-અંગદાન કરી ચુક્યા છે.
સામાન્ય રીતે વ્યક્તિ મરણોપરાંત તેમના અંગો અને દેહનું દાન કરે છે. તેમની હયાતીમાં જ તેમને મરણોપરાંત તમામ વિધિ કરાવી પોતાના દેહનું દાન કરી ઉત્તમ ઉદાહરણ સમાજ સામે મુક્યું છે. ગોપાળભાઈનાં પુત્રો નરેશ બલર અને અશોક બલરે પિતાનાં મોક્ષાર્થે હયાતીમાં પિંડદાન, પાણીઢોળ, પુણ્યદાન, બહેન-દિકરીઓને દાન, બ્રાહ્મણોને દાન સહિતની શાસ્ત્રોક્ત વિધિ કરી હતી. ગોપાળ બલરે જણાવ્યું હતું કે, મરણોપરાંત કોઈ માટે ઉપયોગી બની શકું એટલા માટે દેહદાન કરવાનો નિર્ણય લીધો છે.