- ચેમ્બર ઓફ કોમર્સ સુરત દ્વારા સુવર્ણ તકનો લાભ લેવા માટે ઉદ્યોગકારો તેમજ ઉદ્યોગ સાહસિકોને અનુરોધ
- સરકારનો GDP નો 8.2 ટકાનો ટાર્ગેટ પણ એક જ મહિનામાં ઘટીને 7.8 ટકા થઇ ગયો
- વિશ્વભરમાં રિટેલર્સ અને ટ્રેડર્સ વૈકલ્પિક સોર્સ શોધી રહ્યા છે
સુરત: ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ ચાઇનામાં પાવર ક્રાઇસિસને કારણે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત જ નહીં પણ ભારતના તમામ ઉદ્યોગો માટે ઉભી થયેલી સુવર્ણ તકનો લાભ લેવા માટે ઉદ્યોગકારો તેમજ ઉદ્યોગ સાહસિકોને અનુરોધ કર્યો હતો. સાથે જ તેમણે કહ્યું હતું કે, દેશના ઘણા ઉદ્યોગો ચાઇનાથી રો મટિરિયલ આયાત કરે છે. આથી એવા ઉદ્યોગોને રો મટિરિયલની અછત નહીં વર્તાય તે માટે અત્યારથી જ સાવચેત થઇને તે દિશામાં પ્રયાસ કરવો જોઇએ.
ચાઇનામાં 44 ટકા જેટલી ફેક્ટરીઓનું પ્રોડક્શન સાવ ઘટી ગયું
હરેશ કલકત્તાવાલાએ જણાવ્યું હતું કે, ચાઇનામાં મોટા ભાગના પાવર પ્લાન્ટ કોલ બેઇઝ છે અને ત્યાંની સરકારે હાલ કોલ પ્રોડકશનને ઘટાડી દીધું છે. જેને કારણે ત્યાં પાવર પ્રોડક્શનમાં ઘટાડો નોંધાયો છે. ચાઇના સરકાર દ્વારા પાવરની કિંમત પણ ફિક્સ કરી દેવામાં આવી છે. જેથી પાવર પ્રોડક્શન કરનારાઓની હાલત કફોડી થઇ ગઇ છે. અન્ય દેશોમાંથી કોલની આયાત કરવામાં પણ તેઓને ઘણી મુશ્કેલી પડી રહી છે. આથી ચાઇનામાં 44 ટકા જેટલી ફેક્ટરીઓનું પ્રોડકશન સાવ ઘટી ગયું છે. ત્યાંની સરકારનો GDP નો 8.2 ટકાનો ટાર્ગેટ પણ એક જ મહિનામાં ઘટીને 7.8 ટકા થઇ ગયો છે.
રો મટિરિયલ્સની શોર્ટેજ થઇ ગઇ છે
ચાઇનામાં જ્યાં સુધી અલ્ટરનેટ એનર્જી ઉભી નહીં કરવામાં આવે ત્યાં સુધી આ સમસ્યા રહેવાની જ છે. જેને કારણે ચાઇનામાં એલ્યુમિનિયમ, સિમેન્ટ, સ્ટીલ અને ટેક્સટાઇલનું સતત ઉત્પાદન કરનારા પ્લાન્ટને માઠી અસર થઇ રહી છે. રો મટિરિયલ્સની શોર્ટેજ થઇ ગઇ છે અને કેમિકલ એન્ડ ડાઇઝને પણ માઠી અસર થઇ છે. જેને કારણે વિશ્વભરમાં રિટેલર્સ અને ટ્રેડર્સ વૈકલ્પિક સોર્સ શોધી રહ્યા છે.
આ પણ વાંચો: ચીનમાં સર્જાયું ભયંકર વીજ સંકટ, જવાબદાર કોણ? કોલસાની અછત કે પછી જિનપિંગની નીતિ
સરકારે કોલ પ્રોડકશન ઘટાડવાને કારણે પાવરનો ભાવ 30 થી 40 ટકા વધશે
વિશ્વના એનાલિસ્ટોનું માનવું છે કે, ચાઇનાએ ટેક્સટાઇલ અને એપેરલનું એક્સપોર્ટ કરે છે પરંતુ ત્યાંની સરકારે કોલ પ્રોડક્શન ઘટાડવાને કારણે પાવરનો ભાવ 30 થી 40 ટકા વધશે. આથી પ્રોડક્શન કોસ્ટ તો વધશે જ સાથે ઉત્પાદનમાં પણ ઘટાડો નોંધાશે અને ટેક્સટાઇલની કિંમતમાં સીધો 30 થી 40 ટકાનો વધારો નોંધાશે. ચાઇનામાં પાવર ક્રાઇસિસનો સીધો ફાયદો ભારતની તમામ ઇન્ડસ્ટ્રીને થશે.
આ પણ વાંચો: ભારતની અગ્નિ-5 મિસાઇલના ટેસ્ટથી કેમ ગભરાયેલું છે ચીન? જાણો આની તાકાત
યુરોપિયન અને નોર્થ અમેરિકન દેશોનું માર્કેટ એક્સપોર્ટ માટે ખૂલી જશે
ખાસ કરીને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી માટે સુવર્ણ તક ઉભી થઇ છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી માટે યુરોપિયન અને નોર્થ અમેરિકન દેશોનું માર્કેટ એક્સપોર્ટ માટે ખૂલી જશે. કોરોનાને કારણે લોકડાઉન દરમિયાન પ્રોડક્શનમાં જે ઘટાડો થયો હતો તેમાં હવે તેજી જોવા મળી રહી છે. નવરાત્રિ, દિવાળી અને ક્રિસમસ જેવા તહેવારોમાં ટેક્સટાઇલ, ડાયમંડ અને જ્વેલરી ઉદ્યોગ માટે ખૂબ જ મોટી તક ઉભી થઇ છે.