- સુરત છે સપનાઓનું શહેર: ગણપતસિંહ વસાવા
- જવાનોની ટીમને પ્રોત્સાહિત કરવાં રૂ.51 હજારનું ઈનામ
- સંપૂર્ણ સોશિયલ ડિસ્ટન્સીંગ સાથે કરાઈ પ્રજાસત્તાક પર્વની ઉજવણી
સુરત: જિલ્લાકક્ષાનાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી સુરત શહેરનાં અઠવાલાઈન્સ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે દેશભક્તિના ઉમંગભર્યા માહોલ વચ્ચે કરવામાં આવી હતી. આદિજાતિ પ્રધાન ગણપતસિંહ વસાવાએ ધ્વજવંદન કરી માર્ચ પાસ્ટનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે શહેરીજનોનું અભિવાદન પણ ઝીલ્યું હતું.
ગુજરાતનો રિકવરી રેટ 96 ટકાથી પણ વધુ થયો
આ પ્રસંગે ગણપતસિંહ વસાવાએ આઝાદીની લડાઈમાં યોગદાન આપનારા સ્વાતંત્ર્ય સેનાનીઓ ક્રાંતિકારીઓનું સ્મરણ કરતાં જણાવ્યું હતું કે, દેશના વિરલાઓએ અંગ્રેજોની ગુલામીમાંથી દેશને મુક્ત કરાવવા પોતાના મહામૂલા ક્રાંતિકારીઓની હસતાં મુખે આહૂતિ આપી હતી. ડૉ. બાબાસાહેબ આંબેડકરના સામાજિક સમરસતાના વિઝનથી દેશનું બંધારણ આકાર પામ્યું જેથી આજે દેશનો જનજન આગવા બંધારણીય અધિકારો થકી લોકશાહીની મુક્ત હવામાં શ્વાસ લઈ રહ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે, દેશના અદ્રશ્ય દુશ્મન એવા કોરોના સામેની લડાઈમાં દેશવાસીઓના સહયોગથી દેશનો રિકવરી રેટ વધી રહ્યો છે અને મૃત્યુ દરનું પ્રમાણ સતત ઘટી રહ્યું છે. ગુજરાતનો રિકવરી રેટ 96 ટકાથી પણ વધુ થયો છે જેની વિશ્વ આરોગ્ય સંગઠન, IIM-અમદાવાદે પણ નોંધ લઈ સરાહના કરી છે. કોરોના સામે હજુ પણ સાવધાની રાખી દેશને કોરોનામુક્ત કરીશું એવી અપેક્ષા પણ વ્યકત કરી હતી.
સપનાઓથી આધુનિક સુરતનું નિર્માણ
સુરતવાસીઓને ગણતંત્ર દિન પર્વની શુભેચ્છાઓ પાઠવતા પ્રધાને જણાવ્યું કે, અભૂતપૂર્વ વિકાસ થકી સુરત શહેર 'સુરત સ્પિરિટ'થી ચારેકોર જાણીતું બન્યું છે. સુરત સપનાઓનું શહેર છે. ભારતભરમાંથી પોતાનું ભાગ્ય અજમાવવા સુરત આવેલા લાખો કર્મશીલ નાગરિકોના સપનાઓથી આધુનિક સુરતનું નિર્માણ થયું છે. પુરપાટ ગતિથી વિકસતુ શહેર સમગ્ર દુનિયામાં ઝડપી વિકસતા શહેરોમાં ચોથા નંબરનું સ્થાન ધરાવે છે. મિની ભારતની ઉપમા મેળવનાર સુરતે દેશના ખૂણે-ખૂણેથી આવેલા લાખો ભારતીયોને અપનાવ્યા હોવાનું જણાવી સુરતના ઉતરોત્તર વિકાસ માટે સૌ નાગરિકો એક અને નેક બની આગળ વધે એવી લાગણી વ્યકત કરી હતી.
સહકારી ક્ષેત્રે દુધ-ખાંડ મંડળીઓએ પણ ભારતભરમાં નામના મેળવી
વિશ્વનાં તખ્તા પર ડાયમંડ અને ટેક્ષટાઈલ નગરી તરીકે સમગ્ર દેશમાં જાણીતા શહેરે હવે ક્લિન સિટી, ડ્રીમ સિટી, બ્રિજ સિટી જેવા અનેક નામોથી વિશ્વમાં ઓળખાણ બનાવી છે. જયારે સુરત જિલ્લાના ગ્રામ્ય અર્થકારણમાં પણ સહકારી ક્ષેત્રે દૂધ-ખાંડ મંડળીઓએ પણ ભારતભરમાં નામના મેળવી છે એમ જણાવી ગણપતસિંહ વસાવાએ જનશક્તિની ઈચ્છાશક્તિથી જ વિકાસની ઈમારત ચણાય છે એમ સ્પષ્ટપણે કહ્યું હતું.
પોલીસ જવાનોએ બ્લાઈન્ડ વેપન ડેમો ડ્રિલ યોજી
આ વેળાએ શહેર પોલીસ જવાનોએ બ્લાઈન્ડ વેપન ડેમો ડ્રિલ યોજીને ઉપસ્થિત સૌને યુદ્ધકળાના દર્શન કરાવ્યાં હતાં. જેમાં જવાનોએ આંખે પાટા બાંધીને રાઈફલ, બંદૂક જેવા હથિયારોને ગણતરીની સેકન્ડોમાં ખોલીને ફરી જોડી દીધા હતાં. પોલીસને અંધારામાં પણ હથિયાર ખોલવાની, ચલાવવાની અને જોડવાની તાલીમ આપવામાં આવે છે. આ ડ્રિલથી પ્રભાવિત થઈને પ્રધાને આ પોલીસ જવાનોની ટીમને પ્રોત્સાહિત કરતાં રૂ.51 હજારનું ઈનામ આપ્યું હતું.
તાલીમબદ્ધ પરેડ પણ યોજવામાં આવી
આ પ્રસંગે પોલિસ, આરોગ્ય વિભાગના કર્મયોગીઓને ગણપતસિંહ વસાવા દ્વારા શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા. હોમગાર્ડ્ઝ, NCC, સ્કાઉટ ગાઇડ, મહિલા વગેરે પ્લાટુનની તાલીમબદ્ધ પરેડ પણ યોજવામાં આવી હતી. પ્રજાસત્તાક પર્વની ઉજવણી સરકારના દિશા-નિર્દેશો અનુસાર સંપૂર્ણ સોશિયલ ડિસ્ટન્સીંગ સાથે કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે પ્રધાન તથા અન્ય મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું.