- મારા પુત્રના અંગદાનથી મારો પુત્ર અન્ય બાળકોમાં જીવિત રહેશે: સંજીવ ઓઝા
- સુરત શહેર પોલીસ તંત્ર દ્વારા ગ્રીન કોરીડોર કરી દેવાયો
- અમદાવાદની IKDRCમાં કિડની અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ થયું
સુરત: ગત 9 ડિસેમ્બરના રોજ જશ સંજીવભાઇ ઓઝા પડોશીના ઘરે રમતી વખતે બીજા માળેથી અકસ્માતે નીચે પડી ગયો હતો. જેથી તેના માથામાં ગંભીર ઈજાઓ થઇ હતી અને તે બેભાન થઇ ગયો હતો. ડૉકટરો દ્વારા તેને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યો હતો. શ્રીમાળી બ્રાહ્મણ (રાજસ્થાન) સમાજના બ્રેઈનડેડ જશ સંજીવ ઓઝાના હૃદય, ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓનું પરિવારે દાન કરી 7 વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી છે અને સમાજને નવી દિશા બતાવી છે. સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા હ્રદયના દાનની 30મી અને ફેફસાંના દાનની પાંચમી ઘટના છે. સુરતથી ચેન્નાઈનું 1615 કિ.મીનું અંતર 160 મીનીટમાં કાપીને MGM હોસ્પીટલમાં હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ રશિયાના રહેવાસી 4 વર્ષીય બાળકમાં અને ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ યુક્રેનના રહેવાસી 4 વર્ષીય બાળકમાં કરવામાં આવ્યું છે, જયારે કિડની અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની IKDRCમાં કરવામાં આવ્યું છે. સુરતના બાળકનું હૃદય રશિયામાં ધબકશે અને ફેફસાં યુક્રેનમાં શ્વાસ ભરશે.
માતા જશને વધુને વધુ બાળકોમાં જોવા માંગે છે
જશની માતાને આશા હતી કે હજુ પણ કંઇક ચમત્કાર થઇ શકે છે અને મારો પુત્ર ઉભો થઈને મમ્મી-મમ્મી બોલશે. તેથી તેમણે વધુ એક દિવસ રાહ જોવા જણાવ્યું. ત્યારે નિલેશ માંડલેવાલાએ તેમને સમજાવ્યું કે દર્દી બ્રેઈનડેડ જાહેર થયા બાદ ધીમે ધીમે તેના દરેક અંગો બગડતા જાય છે. એક દિવસ પછી કદાચ અમુક અંગોનું દાન ન પણ થઇ શકે. ત્યારે જશની માતા અર્ચનાએ જણાવ્યું કે તેઓ જશને વધુને વધુ બાળકોમાં જોવા માંગે છે. જશની માતાએ પોતાના ફૂલ જેવા કોમળ બાળકના વધુને વધુ અંગો જરૂરિયાતમંદ દર્દીઓને ઉપયોગમાં આવી શકે તે માટે પોતાના હૃદય ઉપર પત્થર મૂકી પોતાના વ્હાલસોયા બાળકના અંગદાનની મંજૂરી આપી.