- રેપિડ ટેસ્ટની ચાલુ કામગીરી દરમિયાન લાગી આગ
- આગથી રેપિડ ટેસ્ટ માટેનો તમામ સામાન બળીને ખાક
- ફાયર બ્રિગેડ દ્વારા આગ પર મેળવવામાં આવ્યો કાબૂ
સુરત: શહેર-જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણને લઈને તંત્ર દ્વારા કેટલીક બસની ફાળવણી કરીને વિવિધ વિસ્તારોમાં રેપિડ ટેસ્ટ માટેની કામગીરી કરવામાં આવી રહી છે. જે પૈકી અમરોલી વિસ્તારમાં રેપિડ ટેસ્ટની કામગીરી કરી રહેલી બસમાં આગ લાગી ગઈ હતી.
આગ લાગતા બસનો ડ્રાઈવર બહાર કૂદી ગયો
બસમાં ડ્રાઈવર સીટની બાજુમાં જ વાયરિંગમાં શોર્ટસર્કિટ થતા આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આગના લાગતા જ બસનો ડ્રાઈવર તરત જ કૂદી ગયો હતો અને બસમાં હાજર તમામ લોકોના નાસભાગ મચી ગઈ હતી. સવારે 10:35 કલાકે ફાયર બ્રિગેડને આ ઘટના અંગેનો કૉલ મળતા લાશ્કરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જોકે, ફાયર બ્રિગેડના લાશ્કરો પહોંચે તે પહેલા જ બસમાંનો તમામ સામાન બળીને ખાક થઈ ગયો હતો. અંદાજે એક કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો.